- રાજકારણના કારણે મારે ક્રિકેટ છોડવું પડ્યું: સીંગર શ્રીશાન વાડેકરનો વસવસો
- પ્રજાસત્તાક પર્વ પૂર્વ સંધ્યાએ આજે રાજકોટવાસીઓ માટે કોર્પોરેશન દ્વારા શ્રીશાન વાડેકરની મ્યુઝિકલ નાઇટનું આયોજન: ઉમટી પડવા શહેરીજનોને અપીલ
પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાત્રે 8:30 કલાકે રેસકોર્ષ સ્થિત કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થિયેટર ખાતે બોલીવુડના ખ્યાતનામ પ્લેબેક સિંગર શ્રીશાન વાડેકરની સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરીજનોને ઉમટી પડવા કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
આજે સવારે પોતાની ટીમ સાથે રાજકોટ આવી પહોંચેલા શ્રીશાન વાડેકરે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે આજની સંગીત સંધ્યામાં હું અને મારી ટીમ અનેક સરપ્રાઇઝ આઇટમ રજૂ કરી રાજકોટવાસીઓને મોજ કરાવી દેશું. તેઓએ જણાવ્યું હતું કે હું ખૂબ જ સારો ક્રિકેટર હતો. મહારાષ્ટ્રની ટીમ વતી અન્ડર-16 અને અન્ડર-19 ટુર્નામેન્ટ રમી ચુક્યો છું. 25-30 વર્ષથી જે ટ્રોફી જીતવામાં મહારાષ્ટ્રની ટીમ અસફળ રહી હતી.
તેમાં અમે ચેમ્પિયનશીપ હાંસલ કરી હતી. ભારતીય ટીમ વતી રમવાનું મારૂં સ્વપ્નું હતું પરંતુ રાજકારણના કારણે મારે ક્રિકેટ છોડવું પડ્યું. પૈસાવાળાના બાળકોમાં ક્રિકેટનું પુરતું ટેલેન્ટ ન હોવા છતાં તેઓને ટીમ સ્થાન આપવામાં આવતું હતું. અનેક પરિબળોના કારણે મેં ક્રિકેટ છોડી સંગીતનું ક્ષેત્ર પસંદ કર્યું હતું. જીતવું જરૂરી નથી. અનુભવના આધારે તમે પોતાનું નામ બનાવી શકો છો.
તેને ઉમેર્યું હતું કે સંગીત ક્ષેત્રમાં મારા આઇડલ કે.કે. છે. જે હાલ દુનિયામાં હયાત નથી. મારા ગુરૂ મને હંમેશા કહેતા હતા કે તમારા ગીતની બધા નકલ કરી શકશે પણ અવાજની કોઇ નકલ કરી શકશે નહિં. બોલીવુડમાં ઘણા ખ્યાતનામ સિંગરો છે. પરંતુ જે ચાલે છે તેને જ કામ મળે છે. મારૂં ફેવરિટ ગીત ‘મેંને દિલ સે કહા ઢૂંઢ લાતા હું’ છે. આજે રાજકોટમાં યોજાનારી સંગીત સંધ્યામાં અમારી ટીમ દ્વારા ખાસ સરપ્રાઇઝ આઇટમ રજૂ કરવામાં આવશે. જેમાં ભગવાન શ્રીરામના ગીતો પણ હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીશાનના કંઠે નાદાન પરીંદે, છૈયા છૈયા, દિલ સે રે, તેની દિવાની તડપ તડપ કે ઇસ દિલ સે, તુમ હી હો, એ દિલ હે મુશ્કિલ, તુ હી મેરી સબ હે, કેસરીયા, મેરે રશ્કે કમર, બચના એ હસીનો, તેરી મિટ્ટી મેં, ના જા કહી અબ ના જા, રાત અકેલી હે, જગ ઘુમીયા તેરે જેસા, બાહો મેં ચલે આઓ, તુમ આ ગયે હો, ઓમ શાંતિ ઓમ જેવા ગીતો ગાઇ લોકોના દિલમાં રાજ જમાવ્યું છે.
શ્રીશાન વાડેકર એક એવું નામ જે મેલોડીનો પર્યાય છે. તેઓ છેલ્લા 20 વર્ષથી પર્ફોમિંગ કલાકાર તરીકે લોકોના દિલો દિમાગને વશ કરી રહ્યા છે.
ઔરંગાબાદમાં એક નમ્ર પરિવારમાં જન્મેલા અને ઉછરેલા શ્રીશાન એક ઉત્સુક ક્રિકેટર હતા. ઘણી કોલેજ અને જીલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં રમ્યા બાદ તેને આ રમત પસંદ કરી હતી. 16 વર્ષની ઉંમરે તેમણે હિન્દુસ્તાની ક્લાસિકલ વોકલ્સની તાલીમ લેવાનું શરૂ કર્યું જ્યારે તેમને તેની અંદર રહેલા સાચા કલાકારનો અહેસાસ થયો. તેમણે તેના સાચા જુસ્સાનો પીછો કરવાનો અને એક ગાયક તરીકેની તેની કુશળતાને હાંસલ કરવાનો નિર્ણય કર્યો. શ્રીશાને અભિજીત, અલ્કા યાજ્ઞિક, નેહા કક્કર અને ભૂપેન્દર સિંઘ જેવા અનેક અગ્રણી બોલિવૂડ પ્લેબેક સિંગર્સ સાથે પફોર્મન્સ આપ્યું છે.
આજે પત્રકાર પરિષદમાં મેયર નયનાબેન પેઢડિયા, મ્યુનિ.કમિશનર આનંદ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહ્યા હતા.