સલામ છે… સલામ છે….
નવયુવાન ઓમ દવેની સાથે સમગ્ર ટીમે નિ:શુલ્ક ગીતની રચના કરી ફરજ બજાવી રહેલા તમામ કર્મીઓને પ્રોત્સાહન આપી બિરદાવ્યા
સમગ્ર વિશ્ર્વમાં જે રીતે કોરોના વાયરસે તેનો કહેર વરસાવ્યો છે. તેનાથી આખુ વિશ્ર્વ ચિંતાતુર બની ગયું છે. ભારત દેશમાં પણ કોરોના વાયરસને લઈ લોકડાઉન સ્થિતિનું નિર્માણ થયું છે. આ તકે લોકોને ૨૧ દિવસ સુધી ઘરમાં રહેવાની તાકીદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ વડાપ્રધાન દ્વારા લેવામાં આવેલા નિર્ણયનો જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે અને આ સેવાકાર્યમાં લોકો સ્વયંભૂ રીતે જોડાઈ રહ્યાં છે. આ તકે કોરોના વાયરસના કહેરથી લોકોને બચાવવા માટે ડોકટરો, પોલીસ તંત્ર અને મીડિયા કર્મીઓ જે રીતે કામગીરી કરે છે તેને પણ બિરદાવવામાં આવી રહી છે.
આ પ્રસંગે રાજકોટના એક નવયુવાન દ્વારા ડોકટર, પોલીસ તંત્ર અને મીડિયા કર્મીઓને બિરદાવતું એક ગીતની રચના કરી છે. જેનું નામ સલામ છે… સલામ છે… રાખવામાં આવ્યું છે. આ ગીત બનાવવા માટેનું કારણ જણાવતા નવયુવાન ઓમ દવેએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામે જ્યારે આખી દુનિયા ઝઝુમી રહી છે ત્યારે આ જ વાયરસે દેશમાં પોતાનું વિકરાટ રૂપ પ્રગટ કરવા માટે મથી રહ્યો છે. આ કોરોના નામક રાક્ષસને નાથવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સાથો સાથ જે ડોકટરો કે પછી પોલીસ કર્મીઓ ફરજ બજાવી રહ્યાં છે અને આ તમામ કાર્યોની નિષ્પક્ષ રીતે જે માહિતી મીડિયા આપી રહ્યું છે તેમને પ્રોત્સાહન મળે અને તેમના કાર્યને બિરદાવવામાં આવે તે હેતુસર આ ગીતની રચના કરવામાં આવી છે.
વધુમાં ઓમ દવેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ તમામ લોકોને અનેકવિધ રીતે બિરદાવવામાં આવે છે. પરંતુ મીડિયા કર્મીઓ રાત-દિવસ ડોકટરો અને પોલીસ કર્મીઓની જેમ પોતાની ડયૂટી બજાવી રહ્યાં છે ત્યારે તેમને પણ પ્રોત્સાહન મળવું જોઈએ તે માટે આ ગીતનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગીત વિશે માહિતી આપતા નવયુવાન ઓમ દવેએ જણાવ્યું કે, તેમના ગ્રુપ દ્વારા નિ:શુલ્ક ગીત બનાવવામાં આવ્યું છે અને માત્ર બે જ દિવસમાં ગીતનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે જે રેકોર્ડ પણ છે. સોશ્યલ મીડિયાનો ઉપયોગ જે રીતે લોકો કરી રહ્યાં છે તેમાં સલામ છે… ગીત ખરા અર્થમાં ધુમ મચાવી રહ્યું છે.
અંતમાં ઓમ દવેએ તેમના માતા-પિતા અને તેમના ગુરૂજનોને પણ યાદ કરી જણાવ્યું હતું કે, દેશના દરેક નાગરિકે દેશ સેવા અને કોરોનાના રાક્ષસને નાથવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપવું જોઈએ અને તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા નિર્ણયને પણ બિરદાવ્યો હતો.
મિકેનીકલ એન્જીનીયરીંગ કર્યા બાદ સંગીતમાં રસ હોવાના કારણે સંગીતની ઉપાસના ચાલુ કરી. આ તકે ઓમ દવેએ વિશેષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, માતા-પિતાનો જે સાથ સહકાર મળ્યો છે. તેનાથી અનેકવિધ રીતે સફળતા પણ પ્રાપ્ત થઈ છે. સંગીતની ઉપાસના વિશે જણાવતા નવયુવાને કહ્યું હતું કે, તેને અનેકવિધ પ્રકારના ગીતોનું કંપોઝીશન પણ કર્યું છે. જેને જબ્બર પ્રતિસાદ પણ મળ્યો છે. કોરોના વિશે માહિતગાર કરતા ઓમ દવેએ જણાવ્યું હતું કે, આ મહામારી વચ્ચે જે લોકો ખરા અર્થમાં સાચુ કાર્ય કરી રહ્યાં છે તેને કેવી રીતે બિરદાવવા તે અંગે પ્રશ્ર્ન હતો. ગીત બનાવવા પાછળ ઓમ દવેએ તેમના સાથી મિત્રો, સાથો સાથ તેમના પિતા પ્રદિપ દવેનો પણ આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, તેમનો જો સાથ સહકાર મળ્યો ન હોત તો હાલ જે સફળતાના શિખરો સર કરવામાં આવે છે તે કદાચ શક્ય ન બનત.