અમદાવાદના છારોડીમાં મોદી શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરતા વડાપ્રધાન
અમદાવાદના છારોડી ખાતે મોદી શૈક્ષણીક સંકુલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ પ્રધાનસેવક સ્વાગત કર્યુ હતુ.
આ તકે વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, સમાજના ચરણોમાં આવવું અને વંદન કરી સમાજના આશિર્વાદ લેવા તે મારા માટે મહત્વનો સમય છે. એ જ સમાજ આગળ આવે છે જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપે છે. જાહેર જીવનમાં ક્યારેય ન સાંભળ્યું કે આ સમાજ કોઇને નડયો હોય, સમાજ માટે આ બહુ ગૌરવની વાત છે. આ સમાજનો દિકરો ગુજરાતમાં લાંબામાં લાંબો સમય મુખ્યમંત્રી રહ્યો હોય, આ સમાજનો દિકરો બીજી વખત દેશનો પ્રઘાનમંત્રી બન્યો હોય પરંતુ લાંબા ગાળાની જવાબદારીઓ વચ્ચે મારે આજે ઋણ સ્વીકારવો પડે કે સમાજનો એક પણ વ્યકિત મારી પાસે કોઈ પણ કામ લઇને આવ્યો નથી. મારુ કુંટુબ પણ મારાથી ઘણુ દુર રહ્યુ છે આ કારણે મારુ તો સૌભાગ્ય રહ્યુ છે કે સમાજને જેમ આપણે ક્યાય નડયા નહી તેમ મારે પણ કોઇને નડવું ન પડયું.
મોઢ વણિક મોદી સમાજને આજે આદર પુર્વક વંદન કરુ છું. આજે આપણા બાળકો સ્કીલ ડેવલોપમેન્ટમાં આગળ વધે તે જરૂરી છે, આજના સમયે ડિગ્રી વાળા કરતા હુનર વાળા વિદ્યાર્થીઓની તાકાત વધી છે. આવનાર પેઢીઓ ખૂબ ગૌરવ અને સન્માન સાથે વધુ પ્રગતી કરે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે સમગ્ર દેશ ગુજરાતના મોઢ મોદી સમાજ તરફ ગર્વથી જોઇ રહ્યો છે. સમાજના એક પનોતા પુત્ર એ સમગ્ર દેશના જરૂરયાત મંદના લોકોની અપેક્ષા પુરી કરવાના અશ્વમેઘ યજ્ઞનો આરંભ કર્યો છે. વડાપ્રઘાનશ્રીએ 07 ઓક્ટોબરના રોજ તેમના રાજકીય કાર્યકાળના 21 વર્ષ પુરા કર્યા છે આ 21 વર્ષ દરમિયાન તેમણે ગુજરાત અને દેશની પ્રગતી માટે કઠોર પરિશ્રમ કર્યો છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દરેક ધર્મના લોકોને સાથે રાખી સર્વ પોશક, સર્વ સમાવેશક અને સર્વગ્રાહી વિકાસની નવી દિશા આપી છે અને દેશને વિકાસની રાજનીતીનો માર્ગ બતાવ્યો છે. સરકારે સમાજના દરેક વર્ગને શિક્ષણ, આરોગ્ય, પાણી, મકાન સહિતની પાયાની સુવિઘા પહોંચાડી છે અને આ સરકારની ફરજ પણ છે. અંહી આધુનિક સુવિઘાથી સજ્જ હોસ્ટેલ તૈયાર થઇ છે તે આનંદની વાત છે. સમાજના વિદ્યાર્થીઓ આ સંકુલમાં રહી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અનેક નવી તકો ઝડપી શકશે. બે દાયકા પહેલા ગુજરાતનો ડ્રોપ આઉટ રેસિયો 37 ટકા જેટલો હતો તે આજે ઘટીને 2 ટકા જેટલા થયો છે. ગુજરાતમાં પહેલા 27 યુનિવર્સિટી હતી અને આજે રાજયમાં 102 યુનિવર્સિટીઓ છે. વડાપ્રઘાનના પ્રોત્સાહન અને પ્રેરણાથી આપણે એવા શિક્ષણ પર ભાર મુકી રહ્યા છીએ કે જેમાં વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે સંસ્કાર અને કૌશ્લયનું સિંચન કરવામાં આવે.