રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાચન પરબમાં ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’ની ભાવયાત્રા કરાવી
સામાજિક ઉત્તરદાયિત્વ સાથે બેંકિંગ કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાચન પરબના 66મા મણકામાં સાધના સાપ્તાહિકના પૂર્વ તંત્રી-સ્ક્રીપ્ટ રાઇટર-લેખક-પત્રકાર-પદ્મશ્રી ડો. વિષ્ણુ પંડયા અને ડો. આરતી પંડયા લિખિત ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’ની રસપ્રદ વાત સ્વયં લેખક ડો. વિષ્ણુ પંડયાએ બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય, રાજકોટ ખાતે રજુ કરી હતી.
ડો. વિષ્ણુ પંડયાએ રજુ કરેલ વક્તવ્યની એક ઝલક, ‘કવિતાઓ રચાય છે, નવલકથાઓ લખાય છે, નાટકો લખાય-ભજવાય છે, ફિલ્મો બને છે, પણ એની સાથોસાથ સમાજજીવનને તેની એક અસ્મિતા છે, એ અસ્મિતાને પામવાનો પ્રયત્ન પણ થવો જોઇએ અને એને માટે ઇતિહાસ છે. અતીતથી જે શરૂઆત થાય છે, તે ઇતિહાસ છે. ભગિની નિવેદિતાએ સરસ કહેલું કે હિન્દુસ્તાનની સંસ્કૃતિને સમજવા માટે અતીતની પગદંડીથી નીકળીને, વર્તમાનના માર્ગ સુધી પહોંચીને ભવિષ્યના રાજપથ સુધી પહોંચવાની જે સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિ છે. ક્યાંય અલગાવ નથી.
ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ઇતિહાસનું એ લક્ષણ છે કે આપણે અતીતનું ગૌરવ કરીએ છીએ, વર્તમાનમાં એની પ્રેરણા મેળવીએ છીએ અને ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ. એટલા માટે એમ કહેવામાં આવે છે કે જે સમાજ ઇતિહાસને ભૂલી જાય છે એ સમાજ ખંડિત-વિભાજિત થઇ જાય છે.
ઇતિહાસની વાત કરીએ તો, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં 10 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા અને તેમાં ગુજરાતમાંથી 10 હજાર લોકોએ આહુતિ આપી હતી. તેઓ કોઇ રાજા, મહારાજા નહોતા, કોઇ સામંતો નહોતા, સૈનિકો પણ ઓછા હતા. જે મૃત્યુ પામ્યા હતા તે પટેલ, ભીલ, કોળી, સંધી, વાઘેર, માણેક કે સામાન્ય પ્રજાજનો હતા. ગુજરાતના 151 જેટલા સ્થાનોમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. 100 જેટલા ગામડાં બ્રિટીશરોએ બાળી મૂક્યા, હથિયારોની જપ્તીને કારણે. નવ એવા વિપ્લવીઓને કોર્ટમાં ઉભા કરવામાં આવ્યા અને બ્રિટીશરોએ આંદામાનની કાળકોટડીની સજા કરી. એ ક્યારેય પાછા ન આવ્યા.’
આ પ્રસંગે જીમ્મીભાઇ દક્ષીણી-હંસરાજભાઇ ગજેરા-ડો. એન. ડી. શીલુ અને જયંતભાઇ રાવલે પદ્મશ્રી ડો. વિષ્ણુ પંડયાને પુસ્તક-ખાદીનો રૂમાલ અને સરદાર વલ્લભભાઇની પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્મૃતિચિહ્ન ભેટ આપી સન્માન ર્ક્યું હતું. કાર્યક્રમનું સરળ-સફળ અને રસપ્રદ સંચાલન ધનંજય દત્તાણીએ ર્ક્યું હતું.