બીજા દાવમાં ભારતે સ્પીનર જ નહિં પરંતુ ફાસ્ટરોનો પણ મક્કતાપૂર્વક સામનો કરવો પડશે લીડને બાદ કરતા 125 રન વધુ કરશે તો ટીમ ઇન્ડિયા ત્રીજા ટેસ્ટમાં પણ બનશે વિજયી
ઇન્દોર ખાતે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ આજે બીજા દિવસે પ્રથમ બે કલાકમાં રોમાંચક તબક્કામાં પહોંચી ગઇ છે. ભારતના પ્રથમ દાવમાં 109 રનની સામે ઓસ્ટ્રેલીયાની ટીમ આજે 197 રનમાં ઓલ આઉટ થઇ ગઇ છે. ઓસી.ની અંતિમ 6 વિકેટો માત્ર 31 રનમાં ધરાશાયી ગઇ છે. જો ભારત લીડને બાદ કરતા 125 રન પણ વધુ બનાવશે તો ત્રીજા ટેસ્ટમાં પણ રોહિત સેનાની જીત નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે. પ્રથમ બે ટેસ્ટની માફક ત્રીજી ટેસ્ટનું પણ ત્રીજા દિવસે પરિણામ આવી જશે તે નિશ્ર્ચિત બની ગયું છે.
ઇન્દોર ખાતે ગઇકાલથી શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પોતાના પ્રથમ દાવમાં માત્ર 109 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જેની સામે પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલીયાની ટીમે ચાર વિકેટ ગુમાવી 156 રન બનાવી લીધા હતા અને ભારત પર 47 રનની લીડ હાંસલ કરી લીધી હતી. ગઇકાલે જે રીતે ઓસ્ટ્રેલીયાના બેટસમેનો રમી રહ્યાં હતા તે જોતા એવું લાગી રહ્યું હતું કે ઓસ્ટ્રેલીયા પ્રથમ દાવમાં જંગી લીડ લઇ લેશે. પરંતુ ભારતીય બોલરોએ આજે બીજા દિવસની રમતના આરંભે પ્રથમ દોઢ કલાકમાં જ ઓસ્ટ્રેલીયાના બાકીના છ બેટસમેનોને પેવેલીયન ભેગા કરી દીધા હતાં. ઉમેશ યાદવ અને રવિચંદ્ર અશ્ર્વિનની આગ ઝરતી બોલીંગ સામે ઓસ્ટ્રેલીયાના બેટસમેનો દયનીય સ્થિતિમાં મૂકાઇ ગયા હતાં. આજે પાંચમી વિકેટ 186 રને ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલીયાની ટીમ 197 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલીયાને 88 રનની લીડ પ્રાપ્ત થઇ છે. લીડ ભલે નાની હોય પરંતુ જે રીતે પીચનો મિજાજ છે તે જોતા લીડ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જો ભારતીય બેટસમેનો જવાબદારીપૂર્વક રમી અને લીડને બાદ કરતા જો 125 થી 150 રન વધુ બનાવવામાં સફળ રહેશે તો ત્રીજા ટેસ્ટમાં પણ ભારતની જીત નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે. બે દાયકા પૂર્વે આવી જ એક રોમાંચક ટેસ્ટમાં ભારતનો ઓસ્ટ્રેલીયા સામે વિજયી થયો હતો. જેનું પુનરાવર્તન કરવા માટે હવે બેટસમેનોએ જવાબદારી ઉપાડવી પડશે. પ્રથમ બે ટેસ્ટ જે રીતે ત્રીજા દિવસે પૂર્ણ થઇ ગઇ હતી અને પરિણામ આવી ગયું હતું. તે જ રીતે ઇન્દોર ટેસ્ટનું પરિણામ પણ બપોર સુધીમાં જ આવી જાય તેવું લાગી રહ્યું છે.