રામાપીર ચોકડીએ પણ ઈસ્ટ ટુ વેસ્ટ લાખના બંગલાથી રૈયાધાર સ્માર્ટ સિટી તરફ બનશે બ્રિજ: ૫ બ્રિજ માટે ક્ધસલ્ટન્ટની નિમણુક કરવા ટેન્ડરની મુદત ૨૨મીએ પૂર્ણ
શહેરમાં સતત વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે મહાપાલિકા દ્વારા ચાલુ સાલના બજેટમાં અલગ-અલગ ૭ સ્થળોએ ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત પાંચ બ્રીજ માટે ક્ધસલ્ટન્ટની નિમણુક કરવા ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યા છે. નાનામવા સર્કલે મારવાડીની ઓફિસથી શાસ્ત્રીનગર તરફ ઈસ્ટ ટુ વેસ્ટ જયારે રામાપીર ચોકડીએ પણ લાખનાં બંગલાથી રૈયાધાર સ્માર્ટ સિટી તરફ ઈસ્ટ ટુ વેસ્ટ બ્રીજ બનાવવામાં આવશે. ક્ધસલટન્ટની નિમણુક કરવા માટે પ્રસિઘ્ધ કરાયેલા ટેન્ડરની મુદત આગામી ૨૨મી એપ્રીલના રોજ પૂર્ણ થઈ રહી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરનાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાનામવા સર્કલ તથા રામાપીર ચોકડી ઉપરાંત કોઠારીયા સોલવન્ટ, સાંઢીયાપુલ અને સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બ્રીજ બનાવવા ક્ધસલ્ટન્ટની નિમણુક કરવા માટે પ્રસિઘ્ધ કરાયેલા ટેન્ડરની મુદત આગામી ૨૨મીના પૂર્ણ થઈ રહી છે. સતત ટ્રાફિક રહે છે તેવા નાનામવા સર્કલ ખાતે ઈસ્ટ ટુ વેસ્ટ એટલે કે મારવાડીથી શાસ્ત્રીનગર તરફ બીઆરટીએસ એલાયમેન્ટની વિરુઘ્ધ દિશામાં બ્રીજ બનાવવામાં આવશે. જયારે આજ રીતે રામાપીર ચોકડી ખાતે પણ લાખના બંગલાથી સ્માર્ટ સિટી તરફ જતાં રૈયાધારના રોડ તરફ બ્રીજ બનાવવામાં આવશે.