• બેંકની કાલબાદેવી અને જૂનાગઢ બ્રાન્ચમાં લોન કૌભાંડ આચર્યાના આક્ષેપ : કૌભાંડો અટકાવી બેંકને બચાવવાની માંગ, સૂત્રોચ્ચાર સાથે પત્રિકા વિતરણ પણ કરાયું

નાગરિક બેંકની પરાબજાર બ્રાન્ચ પાસે નાગરિક બેન્ક બચાવો સંઘ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. જેમાં બેંકની કાલબાદેવી અને જૂનાગઢ બ્રાન્ચમાં લોન કૌભાંડ આચર્યાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને કૌભાંડો અટકાવી બેંકને બચાવવાની માંગ ઉઠાવવામાં આવી હતી. આ સાથે સૂત્રોચ્ચાર અને પત્રિકા વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ ધરણા કાર્યક્રમમાં નાગરિક બેન્ક બચાવો સંઘના પ્રમુખ ચંદુભા પરમાર, મહામંત્રી વિબોધભાઈ દોશી, ઉપપ્રમુખ યોગીજી ખેંગાર તેમજ અન્ય લોકો જોડાયા હતા.  સંઘના અગ્રણીઓ દ્વારા બે દિવસ પૂર્વે પોલીસ કમીશ્નર સમક્ષ આર્થિક અપરાધ અંગેની લેખીત ફરીયાદ રૂબરૂ મળીને કરાઈ હતી.

નાગરીક બેંક બચાવો સંઘની યાદી મુજબ બેંકની મુંબઈમાં આવેલી કાલબાદેવી બ્રાંચના 25 લોન કૌભાંડો અને જુનાગઢ બ્રાંચના 35 લોન કૌભાંડોમાં કરોડો રૂપિયાની નાના માણસોની પરસેવાની કમાણી ઓગળી ગઈ છે. અત્યારે સંઘ પાસે આ 60 લોનના આધાર પુરાવાઓ મોજુદ છે. બેંકમાં છેલ્લા કેટલાક વર્ષથી કોઈ જવાબદાર અને ન્યાયી સંચાલકો ન હોવાથી એકંદરે બેંકની પરિસ્થિતી દિવસે દિવસે ખાડે જતી જાય છે અને કેન્સર જેવો મહારોગ લાગુ પડયો છે.

બેંકના જુના કર્મચારીઓ અને આર.એસ.એસ. તથા ભાજપના કાર્યકર્તાઓ તેમજ બેંકના હિત ચિંતકો વિગેરેએ સાથે મળી જે સંઘની સ્થાપના કરેલ છે તેના ઉપક્રમે નાગરિક બેંક, પરાબજાર શાખા, જયુબેલી પાસે, આજે તા.13 ને બુધવારે સવારે 11 થી પ સુધી ધરણા, સુત્રોચાર, પ્રદર્શની, પત્રિકા વિતરણ વિગેરે કાર્યક્રમો ઘ્વારા જન આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે.

રાજકોટ નાગરિક સહકારી બેંક સીતેર વર્ષ જુની અને વિશ્વાસનું પ્રતિક મનાતી બેંક છે ત્યારે તાજેતરમાં બેંકના કેટલાક ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા કૌભાંડો અને તેને છાવરનારા ડીરેકટરોના કરતુતો જાહેર થાય તે અનિવાર્ય છે. આ બેંક સાથે દસ લાખથી વધુ થાપણદારો, સભાસદો અને ગ્રાહકો જોડાયેલા છે તેમજ બેંક આશરે 6300 કરોડ જેટલી થાપણ તેમજ 3700 કરોડની લોનો ધરાવે છે તે સંજોગોમાં બેંકમાં જો સંગઠીત પ્રકારના આર્થિક ગુન્હેગારોને સજા આપવામાં ન આવે તો બેંકનું ભવિષ્ય અંધકારમય બની જશે. તેવું અગ્રણીઓએ જણાવ્યું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.