- યોગેશ્વર ચોકડી સંકટ મોચન હનુમાન મંદિરથી નાયબ કલેકટર કચેરી સુધી મૌન રેલી યોજાઇ
- ભારે વાહનની અવર-જવર રોકવા નાયબ કલેકટરને આવેદનપત્ર
- મોટી સંખ્યામાં ભાઇ, બહેનો તેમજ વિધ્યાર્થીઓ જોડાયા
કચ્છ ન્યૂઝ : અંજાર – યોગેશ્વર ચોકડી પાસે થતાં વારંવાર જીવલેણ અકસ્માતો રોકવા ચિત્રકુટ સર્કલથી કળશ સર્કલ સુધી ભારે વાહનોનો પ્રવેશ બંધીનો કડક રીતે અમલવારી કરવામાં આવે અને કલેકટરના જાહેરનામાની અમલવારી કરવામાં આવે તે હેતુથી યોગેશ્વર ચોકડી સંકટ મોચન હનુમાન મંદિરથી નાયબ કલેકટર કચેરી સુધી એક મૌન રેલીનું શહેરના હજારો જાગૃત નાગરિકો દ્વારા આયોજન કરાયું હતું. નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઇ, બહેનો તેમજ વિધ્યાર્થીઓ જોડાયા હતા. ભવ્ય રેલી એકદમ શાંતિથી શિસ્તબદ્ધ રીતે નીકળી હતી.
ભારે વાહનો સંપૂર્ણ રીતે બંધ કરવા સ્થાનિકોની રજૂઆત
આવેદનપત્ર આપતી વખતે શહેરના નાગરિકોએ ભારે વાહનો સંપૂર્ણ રીતે બંધ કરાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જે બાબતે નાયબ કલેકટર દ્વારા ખાત્રી આપવામાં હતી કે આ પ્રશ્ન તાત્કાલિક રીતે ઉકેલવામાં આવશે. આશ્વાસન નહીં જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી રેલીમાં આવેલ નાગરિકોએ નાયબ કલેકટર કચેરી ન છોડવા જણાવ્યું છે.
શહેરનો આ માર્ગ અનેક વખત રક્ત રંજિત થયો
અંજારના જાગૃત નાગરિક રવિભાઈ આહિરે જણાવ્યું હતું કે છેલ્લા અનેક વર્ષોથી અંજારના હાર્દ સમા યોગેશ્વર ચોકડી તેમજ અન્ય શહેરી વિસ્તારમાંથી ભારે વાહનો કોઈપણ પ્રકારની રોકટોક વગર બેફામપણે શહેરી વિસ્તારમાંથી અવર-જવર કરે છે. જેના પરિણામ સ્વરૂપ અંજાર શહેરનો આ માર્ગ અનેક વખત રક્ત રંજિત થયો હતો. શહેર તેમજ આસપાસના ગામડાઓના નાગરિકો તેનો ભોગ બન્યા છે. આ અન્વયે વિવિધ સ્તરે વિવિધ તબ્બકે તંત્ર સમક્ષ લેખિતમાં તેમજ મૌખિકમાં વિવિધ સંસ્થાઓ, આગેવાનો, તેમજ જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરી જાણ કરવામાં આવેલ છે, પરંતુ કોઈ પણ પ્રકારના નક્કર પગલા ભરવામાં ન આવ્યા હોવાના આક્ષેપો કર્યા છે. આપની નૈતિક ફરજના ભાગરૂપે અંજાર તેમજ અંજારની આસપાસના વિસ્તારમાં રહેતા નાગરિકોના જાન-માલની તેમજ નાગરિકોના હિતોની રક્ષા થાય, એ અન્વયે પૂરતા પગલા લેવા માંગ કરાઇ છે.
નાગરિકોના રક્ષિત રહેવાના બંધારણીય હક પર જોખમ
હાલના તબ્બકે અંજાર શહેરી વિસ્તાર તેમજ યોગેશ્વર ચોકડી પાસેથી પસાર થતાં ભારે વાહનોના અવરજવરના કારણે અંજાર શહેરના તેમજ અંજાર શહેરની આસપાસ રહેલા ગામડાઓના નાગરિકોના રક્ષિત રહેવાના બંધારણીય હક ઉપર જોખમ ઊભું થયેલ જણાય છે. સ્થાનિકો દ્વારા બંધારણીય હિતોની રક્ષા કરવા, તેમજ જાનમાલની રક્ષા કરવા, યોગેશ્વર ચોકડી તેમજ અન્ય શહેરી વિસ્તારમાંથી પસાર થતાં ભારે વાહનો પર તાત્કાલિક કાયમી પ્રતિબંધ મુકવા માંગ કરાઇ છે.
ભારતી માખીજાણી