ધોરણ ૧૨ એ વિધાર્થીઓ માટે કારકિર્દી ઘડવાનું પ્રવેશ દ્વાર છે. આ પ્રવેશ દ્વાર માંથી પસાર થઇને વિધાર્થીઓ એન્જિનિયરિંગ, મેડિકલ, ટેકનોલોજી કે એવી પસંદગીની ફેકલ્ટીમાં પ્રવેશ મેળવી શકે છે. પોતાની પ્રતિભા અને તેજસ્વિતા પુરવાર કરી સફળતાના શિખરો સર કરી શકે છે.
ધોરણ ૧૨ માં માસ પ્રમોશન આપવાથી તેજસ્વી અને પ્રતિભાશાળી વિધાર્થીઓને ખૂબજ અન્યાય થવા સંભવ છે. તેઓને ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માટે કે ઉચ્ચ અભ્યાસ માટે અને કારકિર્દી ઘડવા માટે અન્યાય થવા સાથે સંઘર્ષ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે.
ધો.૧૨ કારકિર્દીનું પ્રવેશ દ્વાર:માસ પ્રમોશનના બદલે પરીક્ષા લો
કોરોનાના સંક્રમણ વેળાને ચૂંટણી અને આઈપીએલના મેચ યોજાઈ શકતા હોય તો હવે સંક્રમણ ઘટ્યા બાદ પરીક્ષા ન લેવાનો નિર્ણય કેમ ?? વાલી મંડળનો સવાલ
સરકારે અને શિક્ષણ વિભાગે આ બાબતે ખૂબજ ગંભીરતાથી વિચાર કરી ૧૨ મા ધોરણની પરીક્ષા લેવી જોઈએ. કોરોનાના સંક્રમણને લક્ષમાં રાખીને ડિસ્ટન્સ સાથે નિયમોનું પાલન થઇ શકે તે માટે બે કે ત્રણ તબક્કામાં પરીક્ષાઓ લેવી જોઈએ. સ્થાનિક ધોરણે પરીક્ષા લેવાય તે દિશામાં પણ વિચારવું જોઈએ. એવું પણ થઇ શકે કે સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની તેમજ જે વિધાર્થીઓ પરીક્ષા આપીને પોતાની કારકિર્દી ઘડવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય. સરકારે તે દિશામાં વિચારીને વિધાર્થીઓની કારકિર્દીનું ઘડતર કરતી ધોરણ ૧૨ ની પરીક્ષા લેવાય તે માટે ઘટતું કરવા રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી એડવોકેટ નયનભાઈ કોઠારી, મુખ્ય સંયોજક માજી ડેપ્યુટી મેયર મોહનભાઈ સોજીત્રા તથા સંસ્થાના કન્વિનર રાજેશભાઈ કિયાડાએ એક નિવેદનમાં જણાવ્યું છે.
તેઓએ વિશેષમાં જણાવ્યું છે કે જ્યારે કોરોના સંક્રમણ પીકપોઇન્ટ ઉપર હતું ત્યારે રાજ્યની વિધાનસભાઓની અને પાલિકાઓની ચૂંટણી યોજાઇ હતી તેમજ આઇપીએલ મેચો યોજાઈ હતી અત્યારે તો કોરોનાનું સંક્રમણ ખૂબજ ઘટવા પામેલ છે. તેમજ વિધાર્થીઓના વિશાળ હિત અને ભવિષ્યની કારકિર્દીનો સવાલ હોય સરકારે યોગ્ય તકેદારી અને એસઓપીની પૂરતી તકેદારી રાખીને બે કે ત્રણ તબક્કામાં પરીક્ષાઓ લેવી જોઈએ.