આ નવા ફેરફાર ૫મી ઓક્ટોબરથી લાગુ થશે
સુપ્રીમ કોર્ટમાં લોકહિત અરજીઓની સુનાવણી હવે મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે સહિતની સાત જજોની ખંડપીઠ કરશે. રોસ્ટરમા કરાયેલા આ નિયમો ૫મી ઓક્ટોબરથી લાગુ થશે. પત્રિકા અરજી, પીઆઇએલ અને સામાજિક ન્યાય સંબંધિત મુદ્દાઓની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે સહિત અન્ય સાત વરિષ્ઠ જજો જ કરશે. આ માટે તાજેતરમાં ખંડપીઠે મુદ્દા અને વિષયોની વહેંચણી માટે નવું રોસ્ટર જાહેર કર્યું છે.
ગત વર્ષે 29 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલા છેલ્લા રોસ્ટરમાં પીઆઈએલ અને સામાજિક ન્યાયના કેસોની સુનાવણી ચીફ જસ્ટિસ અને અન્ય ત્રણ વરિષ્ઠ ન્યાયાધીશોને જ સોંપવામાં આવી હતી. જે હવે બદલાવી જજોની સંખ્યા સાત કરી દેવામાં આવી છે. જેમાં મુખ્ય ન્યાયાધીશ બોબડે ઉપરાંત સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોમા જસ્ટિસ એન.વી. રમન્ના, જસ્ટિસ આર.એફ. નરીમાન, જસ્ટિસ યુ.યુ. લલિત, જસ્ટિસ એન.એમ.ખાનવિલકર, જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એલ.એન. નાગેશ્વર રાવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પીઆઈએલ ઉપરાંત મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે અવમાનના, હેબિયેઝ કોર્પસ(બંદી પ્રત્યક્ષીકરણ), સામાજિક ન્યાય, પ્રત્યક્ષ અને પરોક્ષ કર તેમજ ચૂંટણી વિષયની સુનાવણી પણ પોતે કરશે. આ સાથે સીજેઆઈ બંધારણીય હોદ્દા ઉપર અધિકારીઓની નિમણૂકના મામલા સંબંધિત સુનાવણી પણ પોતે કરશે. જે તેમને ખાસ કરીને મોકલવામાં આવ્યા હોય.
ન્યાયમૂર્તિ રમન્નાને વળતર, ધાર્મિક ભંડોળ તેમજ ન્યાયિક અધિકારીઓ સંબંધિત કેસોની સુનાવણી સોંપવામાં આવી છે. જયારે જસ્ટિસ નરીમનની અધ્યક્ષતાવાળી બેંચને કંપની કાયદો, કુટુંબ અને વ્યવસાય કાયદો, તેમજ બેન્કિંગ વ્યવહારોને લગતી બાબતોની સુનાવણી સોંપવામાં આવી છે.