જરૂરિયાત મંદોને ભોજન, કપડાનું વિતરણ થશે: ગૌમાતાને લાડવા ખવડાવાશે
નાના એવા બીજમાંથી ધીરે ધીરે વટવૃક્ષની જેમ આકાર પામી રાજકોટ શહેરના અગ્રગણ્ય ગણાતી સામાજીક તેમજ સેવાકીય ક્ષેત્રની સંસ્થાઓમાં યુવા સેના ટ્રસ્ટે સારી એવી નામના હાંસલ કરી છે. માનવ સેવા તથા અબોલ જીવોના કલ્યાણાર્થે સતત સેવા કાર્યો કરતી રહેલ સંસ્થા યુવા સેના ટ્રસ્ટ નવ વર્ષ પૂર્ણ કરી ૧૦માં મંગલ પ્રવેશ તા. ર૪-૭ શુક્રવારના રોજ કરશે. નિ:સ્વાર્થભાવે સેવાના સમન્વય થકી સમાજ જીવનના ઉત્કર્ષ માટે સક્રિય બની સતત પ્રવૃતિશીલ રહેવામાં માનતા ટ્રસ્ટના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલાના માર્ગદર્શન તળે યુવા સેના લેડીઝ યુવા સેના, દિવ્યાંગ સેના, સિનીયર સિટીઝન સેના તથા ચિલ્ડ્રન સેના વિ.વિ. જુદી જુદી પાંખો સેવારુપી વટવૃક્ષની ડાળીઓની માફક પણ કાર્યરત બનવા પામી છે.
વિશેષમાં જણાવવાનું કે સેવા ભવન, ભોલેનાથ સોસાયટી શેરી નં.૪ રાજકોટના કાર્યાલય ખાતે કાર્યરત યુવા સેના ટ્રસ્ટ દ્વારા ઓણ સાલ નાજુક અને વિકટ પરિસ્થિતિ કોરોના મહામારીના કારણે ઉદ્દભવી હોવાથી ટ્રસ્ટ દ્વારા સ્થાપના પર્વની ભવ્ય ઉજવણી કરવાનું ટાળવામાં આવ્યું છે અને સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવાનું નકકી થયેલ છે. સંસ્થાનો સ્થાપના દિ પવિત્ર શ્રાવણ માસમાં આવી રહેલ હોવાથી રાજકોટ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલા દેવાલયો પાસે પથારી નાખીને બેસતા ભિક્ષુકોને ખીચડી વિતરણ, ગરીબ, જરૂરતમંદ, નિરાધાર ભિક્ષુક મહિલાઓને સાડી વિતરણ ઉપરાંત ગૌમાતાને લાડવા બનાવી ખવડાવાશે તેમજ ઘાસચારો નિરવામાં આવશે તથા કૂતરાઓનુ દુધ બીસ્કીટ અને પક્ષીઓને ચણ નાખવામાં આવશે. તેમજ સંસ્થાના અન્ય નાના મોટા સેવા કાર્યો રાબેતા પ્રમાણે અવિરતપણે ચાલુ જ રખશે તેમ યાદીના અંતમાં પ્રદ્યુમનસિંહ ઝાલાએ જણાવેલ.