અંજારના મેઘપર બોરીચીમાં પંચાયત ઘરનું લોકાર્પણ: ભુજ તાલુકામાં રૂ.૩ કરોડના ખર્ચે રોડના કામનું ખાતમુહૂર્ત કરતા મંત્રી વાસણભાઈ આહિર
અંજાર તાલુકાના મેઘપર બોરીચીના ગ્રામજનો માટે લોકકલ્યાણકારી સુવિધાઓ પૈકી ગ્રામ પંચાયતના રૂ.૧૮.૫૫ લાખના ખર્ચે નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે જણાવ્યું કે, અંજાર તાલુકામાં ૧૯ નવા પંચાયત ઘરોને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી સરકારે બનાવવાની મંજૂરી આપી હતી અને તેમાંથી ૧૫ નવનિર્મિત પંચાયત ઘરોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે અંજાર તાલુકા સંગઠનના અગ્રણી શંભુભાઇ આહિરે કચ્છના વિકાસ માટે રાજયમંત્રી વાસણભાઇ આહિરને જન સહયોગ આપી પ્રાથમિક અને અગત્યની સેવાઓનો લાભ લેવા જણાવ્યું હતું.
ભુજ તાલુકાના મમુઆરા ગ્રામ ખાતે મમુઆરા એપ્રોચ રોડ, હબાય એપ્રોચ રોડ, પઘ્ધર-નાની રેલડી રોડના કામનું રૂ.૩ કરોડના ખર્ચે રાજયમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે જણાવ્યું કે, મને કહેતા આનંદ થાય છે કે અંજાર વિધાનસભા ક્ષેત્રમાં આ રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ દ્વારા રૂ.૫૦ કરોડ રિસરફેસિંગ માટે દરેક ધારાસભ્યો માટે આ ગ્રાન્ટ ફાળવી છે. તેમણે હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે, વર્ષોથી રસ્તાના રિસર્ફેસિંગ ન થવાને કારણે પ્રજાને પડતી મુશ્કેલીની સંવેદનશીલ સરકારે ચિંતા કરી છે.