ભારત વિકાસ પરીષદ તથા સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં સમૃઘ્ધ વર્ગની રચનાત્મક ભૂમિકા વિષય પર શ્રેષ્ઠીઓની વિચારગોષ્ઠીનું આયોજન કરાયું હતું. વીર સાવરકર સભાગૃહ દાદર, મુંબઈ ખાતે યોજાયેલી આ વિચાર ગોષ્ઠિમાં મુખ્ય વકતા તરીકે સુરેશજી જોષીએ માર્ગદર્શન આપ્યું હતું.
ભૈયાજીએ તેમણે કહ્યું હતું કે, સજજને શકિતશાળી બનવું જોઈએ અને શકિતશાળીએ સજજન બનવું જોઈએ. સમાજ પરીવર્તન માટે સામાજીક સંસ્થાઓ, ધર્માચાર્યો, આર્થિક જગત, શિક્ષા જગત અને સતા પ્રતિષ્ઠા સાથે મળીને એકબીજાના સહયોગથી કામ કરે તે જરૂરી છે. સામાજીક સંસ્થાઓનું દેશના નિર્માણમાં બહુ મોટું યોગદાન છે તેવું તેઓએ ઉમેર્યું હતું.
ભારત વિકાસ પરીષદના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેશચંદ્ર ગુપ્તાએ ભારત વિકાસ પરીષદ દ્વારા સમાજ અને દેશના હિતમાં સંસ્થા દ્વારા ચાલતી વિવિધ પ્રવૃતિઓ અંગે માહિતી આપી હતી. ઉપાધ્યક્ષ શ્યામ શર્માએ પરીષદ દ્વારા થઈ રહેલા તબીબી યજ્ઞોની માહિતી આપી હતી.
સમસ્ત મહાજનના ગીરીશભાઈ શાહે જળ, જંગલ, જમીન, જનાવર, જન માટે સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સેવા યજ્ઞોની માહિતી સૌને આપી હતી. તેમજ અહિંસક-સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર સહિતની પ્રવૃતિઓની માહિતી ગીરીશભાઈએ ભૈયાજીના ઋણ સ્વીકાર સાથે સૌને આપી હતી.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ડો.સુરેશચંદ્ર ગુપ્તા તથા અતિથી વિશેષ તરીકે પૃથ્વીરાજ કોઠારી, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયાના ચેરમેન એસ.પી.ગુપ્તા, પ્રવિણભાઈ આસુલાલ કોઠારી, મંગલપ્રભાત લોઢા, આર.કે.શર્મા, નેત્રરોગ નિષ્ણાંત ડો.શ્યામ અગ્રવાલ, ઓ.પી.કાનુંગો, ગણપત કોઠારી, સુનીલ માનસીંઘકા, સુરેશજી જૈન, વિખ્યાત કલાકાર અનુરાધા પૌડવાલ, અતુલભાઈ શાહ, કમલેશભાઈ શાહ, મિતલ ખેતાણી, દેવેન્દ્ર જૈન, મહેન્દ્રભાઈ સંગોઈ, ભરતભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.