ભુપેન્દ્ર સરકારનું બજેટ વિધાનસભામાં રજૂ
બજેટના કદમાં અંદાજે 10થી 20 ટકાનો વધારો, ગુજરાતના અર્થતંત્રને મોડેલ બનાવવાનો પ્રયાસ : ઇન્ફ્રાસ્ટ્રકચર, ખેતી, ઉદ્યોગો અને શિક્ષણ માટે મહત્વની જોગવાઈઓ
ભુપેન્દ્ર સરકારનું બજેટ આજે વિધાનસભામાં રજૂ કરાયું છે. આ બજેટ ડબલ એન્જીનવાળી સરકારને પુરપાટ ઝડપ આપશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે. બજેટના કદમાં અંદાજે 20 ટકાનો વધારો કરાયો છે અને ગુજરાતના અર્થતંત્રને મોડેલ બનાવવાનો પ્રયાસ પણ કરાયો છે.
ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પટેલ સરકારની બીજી ટર્મમાં સતત બીજી વખત નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. ગુજરાત બેજટના કદમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. વર્ષ 2021-22માં ગુજરાતનું બજેટ 2.27 કરોડનું હતું. જે બાદ વર્ષ 2022-23માં 2.43 કરોડનું થયું હતું. ત્યારે આજે વર્ષ 2023-24નું બજેટ રજૂ થઈ રહ્યું છે. આ વખતે બજેટમાં અંદાજે 20 ટકાનો વધારો કરાયો છે. જે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ બની રહ્યું છે.
સ્વાભાવિક છે કે, ભારતીય જનતા પાર્ટી પહેલાથી જ વિકાસના એજન્ડા પર ચાલી રહી છે અને ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે દેશમાં પ્રસ્થાપિત કર્યું છે. ગુજરાતમાં હજુ પણ વિકાસ કરવો વધારે જરૂરી છે તેમ સરકાર માની રહી છે. ત્યારે વિકાસ કરવાના એજન્ડા સાથે રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જેમાં રાજ્યના દેવામાં વધારો પણ થઈ શકે છે.
આત્મનિર્ભરની થીમ ઉપરનું બજેટ
જે રીતે કેન્દ્રીય બજેટમાં પણ આત્મનિર્ભરતા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તે જ રીતે રાજ્ય સરકારે પણ આત્મનિર્ભર થીમ પર બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં મોંઘવારીનો માર પ્રજાને ના પડે તે માટે સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવ્યા છે. વધુમાં ગુજરાત તમામ રાજ્યો માટે મોડેલ બને તેવા પણ ખાસ પ્રયાસો કરવામાં આવ્યા છે.
પુરાંતવાળું બજેટ રજૂ કરવાનો ઇતિહાસ સર્જાશે
છેલ્લા 15 વર્ષથી ગુજરાત સરકાર પુરાંતવાળું બજેટ રજૂ કરે છે. નાણાંમત્રી તરીકે કનુ દેસાઈએ 668.09 કરોડનું પુરાંતવાળું બજેટ વર્ષ 2022-23માં રજૂ કર્યું હતું. ગત વર્ષે રજૂ કરાયેલા બજેટમાં એકપણ રૂપિયાનો ઓવરડ્રાફ્ટ લીધા વગર તમામ નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરી હતી. એ જ રીતે આ વર્ષે પણ પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવશે અને 15 વર્ષથી પુરાંતવાળું બજેટ રજૂ કરવાનો ઇતિહાસ સર્જાશે.
ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવાનો પ્રયાસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નાણામંત્રી કનુ દેસાઈ સ્ટાર્ટઅપ, મહિલા સશક્તિકરણ, વિદેશી રોકાણ આકર્ષવા માટેની યોજના, યાત્રાધામ વિકાસ, સહકારી ક્ષેત્રનો વિકાસ, કોસ્ટલ હાઇવેનું નિર્માણ, બુલેટ ટ્રેન, અમદાવાદ પછી અન્ય શહેરોમાં મેટ્રો ટ્રેન, શહેરી વિકાસ સાથે ગ્રામીણ વિકાસ અર્થતંત્ર પણ ધબકતું રહે તે માટેની જોગવાઈ, મહેસુલી વિભાગમાં સુધારા, આરોગ્ય ક્ષેત્ર સારી સુવિધા અને શિક્ષણનું આધુનિકરણ તેમજ મોડેલ સ્કૂલ બનાવવા પર ભાર આપશે. પોલીસને પણ આધુનિક બનાવવા તેમજ ઉદ્યોગ અને ખાણ ખનીજ જેવા અનેક સેક્ટરના વિકાસ માટેની જોગવાઈ કરશે.
ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડવા મહત્વની જોગવાઈ
ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યારે બજેટ સત્રમાં પ્રાકૃતિક ખેતી માટે મહત્વની જોગવાઈ કરવામાં આવશે. કૃષિ વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર ગુજરાતના 33 જિલ્લામાં પ્રતિ જિલ્લા દીઠ 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની મહત્વની યોજનાઓ જાહેર કરશે. આમ વધુમાં વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં જોડાઈ તે માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.