ઔદ્યોગિક, વેપારીઓ, સામાજીક સંગઠન અને સ્થાનિક લોકોના ગૃહમંત્રી હંર્ષસંઘવીએ પ્રશ્ર્નો સાંભળ્યા: કાયદો-વ્યવસ્થા વધુ સુદ્દઢ બને માટે સરકાર પ્રતિબધ્ધ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે ન્યાયિક બાબતોને લઈને ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ ઔદ્યોગિક એસોસિએશનના હોદ્દેદારો અને વેપારી સંગઠનો તેમજ સ્થાનિક લોકો સાથે બેઠક યોજી તેમના વિવિધ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. આ સાથે મંત્રી એ જિલ્લાના સ્થાનિક નેતાઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક કરી કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે તેમના દ્વારા રજુ કરાયેલા સૂચનો ગ્રાહ્ય રાખ્યા હતાં.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે યોજાયેલી વિવિધ બેઠકોમાં ઔદ્યોગિક તેમજ સામાજિક સંગઠનો અને લોકોને હૈયાધારણા આપતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તમારી સાથે છે. વેપાર ઉદ્યોગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સમગ્ર પોલીસ તંત્રનો સંપૂર્ણ સહકાર મળી રહેશે તેવી ખાત્રી ઉચ્ચારી લોકોને ઝડપી ન્યાય મળી રહે તે માટે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર હોવાનું ગૃહ રાજ્ય મંત્રી એ આ તકે આશ્વાશન આપ્યું હતું.બેઠકમાં ચેમ્બર દ્વારા રજૂ કરાયેલા વેપારીઓના નાણાકીય ફ્રોડના કેસમાં અન્ય રાજ્યોમાં ફસાયેલા નાણાં પરત અપાવવા એસ.આઈ.ટી. ની રચના કરવામાં આવશે અને જુદા જુદા રાજ્યોમાં પોલીસ ટીમ આ જઈ નાણાકીય વ્યવહારોના પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ બનશે તેમ પણ મંત્રી સંઘવીએ જણાવ્યું હતું.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સામાજિક સંસ્થાઓના આગેવાનો અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેમના દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નો, યોજનાઓનો લાભ લેવા માટે પ્રમાણપત્રો અને દસ્તાવેજો કઢાવવામાં થતી મુશ્કેલીઓ અને વહીવટી સમસ્યાઓ, અશાંત ધારો, દારુ, ડ્રગ્સ સહિતના વિવિધ પ્રશ્નો, જરૂરીયાતમંદ વિસ્તારોમાં પોલીસ સ્ટેશન આપવા જેવા પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્રો તેમજ ફરિયાદો સ્વીકારી મંત્રી એ જરૂરી નિર્દેશ કરીને પ્રતિબધ્ધતા દર્શાવી હતી. આ તકે મંત્ર એ અલગથી સ્થાનિક નેતાઓ સાથે પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં મંત્રી અરવિંદભાઈ રૈયાણી,પૂર્વ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, જયેશભાઈ રાદડિયા, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઇ સાગઠીયા સહિતના નેતાઓ તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને શહેરના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ રાજકોટ શહેર તેમજ જિલ્લામાં પોલીસ વિભાગની કામગીરી વધુ સુદ્રઢ બને તે માટે વિવિધ સૂચનો કર્યા હતાં.
કલેક્ટર અરુણ મહેશ બાબુએ મંત્રી હર્ષ સંઘવીનું શાબ્દિક સ્વાગત કરી સ્વાગત કરી બેઠકનું સંચાલન કર્યું હતું. મંત્રી હર્ષ સંઘવીનું રાજકોટ સર્કિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનર તેમજ બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.મંત્રી હર્ષ સંઘવીએ આજરોજ રાજકોટ ખાતે લોક સમસ્યાને લઈને આયોજિત બેઠકોમાં મેયર પ્રદીપ ડવ, અગ્રણી ડો. ભરત બોઘરા, કમલેશભાઈ મીરાણી, શ્રી મનસુખભાઈ ખાચરિયા, ચેતનભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, ઉદયભાઈ કનગડ, ડે. મેયર દર્શિતાબેન શાહ, રક્ષાબેન બોળીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ,તેમજ અધિકારીઓ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જોઇન્ટ સી.પી. અહેમદ ખુર્શીદ, રેન્જ આઈ.જી. સંદીપ કુમાર, નાયબ કમિશનર એ. કે. સિંઘ, નગરપાલિકાના રિજિયોનલ કમિશનર ધીમંતકુમાર વ્યાસ,એસ. પી. જયપાલસિંહ રાઠોર, ડી.સી.પી. ઝોન 2 સુધીર દેસાઇ, ડી.સી.પી. ઝોન 1 પ્રવીણ કુમાર મીના, પ્રાંત અધિકારી ઓ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.