ખૂબ જ ઝેરી ગણી શકાય કે જેના ડંખ બાદ તેના ઝેરના ઈલાજ માટે હજુ સુધી એન્ટી ડોઝ પણ ઉપલબ્ધ નથી, તેવો બંગડીયો દરિયાઈ સાપ પોરબંદરમાં મળી આવ્યો છે. આ સાપને રેસકયુ કરી વનવિભાગે દરિયામાં મુકત કર્યો હતો.
પોરબંદરની ચોપાટી ખાતે એક વિચિત્ર ડીઝાઇન ધરાવતો સાપ લોકોને દેખાયો હતો, જેને લઈને સ્થાનિકોએ આ અંગે વન વિભાગની ટીમને જાણ કરી હતી. આથી વન વિભાગની ટીમ તુરંત જ ત્યાં દોડી ગઈ હતી અને સ્થળ પર જઈ ને જોતા આ એન્યુલેટેડ સી સ્નેક એટલે કે બંગડીયો સમુદ્રી સાપ હોવાનું સામે આવ્યું હતું.
વન વિભાગની ટીમે તેનું રેસ્ક્યુ કરી ફરીથી ઊંડા દરિયામાં મુક્ત કર્યો હતો. સાપની જાણકારી અંગે વન વિભાગે જણાવ્યું હતું કે આ સાપ મધદરિયે રહેતો હોવાથી કિનારે જવલે જ જોવા મળે છે અને બંગડી જેવી ડિઝાઇન ધરાવતો હોવાથી તેને બંગડીયો સાપ કહેવામાં આવે છે.
હાલ ચોમાસાના કારણે દરિયામાં કરંટ હોવાથી આ સાપ ફંગોળાઈને છેક દરિયા કિનારે આવી ચડ્યો હતો. આ સાપ ખુબ જ ઝેરી હોય છે અને હજુ સુધી તેના એન્ટી ડોઝ પણ ઉપલબ્ધ નથી.