દિલ્હી સરકાર અને મહિલા આયોગે શાળાનો જવાબ માગ્યો: દિલ્હી પોલીસને નોટીસ
પોલીસે રાબિયા ગર્લ્સ સ્કુલ સામે કેસ કર્યો: આજે શિક્ષણ મંત્રી શાળાએ જશે
દેશની રાજધાની દિલ્હીની એક શાળાએ ૫૯ બાળકોને એટલા માટે ભોંયરામાં પુરી દીધા હતા કે તેમના વાલીઓ ફી ભરવામાં નિષ્ફળ ગયા હતા. દિલ્હીની ચાંદની ચોકમાં આવેલી રાબિયા ગર્લ્સ પબ્લીક સ્કુલ પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે ફી નહીં ભરવાના કારણે ૫૯ બાળકોને પાંચ કલાક સુધી ભોંયરામાં પુરી દીધા હતા. પોલીસને આ અંગેની જાણ કરતાં શાળા સામે કેસ કરવામાં આવ્યો હતો અને જે વ્યક્તિએ બાળકોને ભોંયરામાં પુરી દીધા હતા તેની શોધ શરૃ કરી હતી.
ઘટનાની જાણ થતાં દિલ્હી સરકારે સબંધીત અધિકારીઓ પાસેથી રિપોર્ટ માગ્યો હતો. મુખ્ય મંત્રી કેજરીવાલે શિક્ષણ નિયામક અને સચિવને તેડાવ્યા હતા અને તમામ માહિતી ભેગી કરવા આદેશ કર્યો હતો. તો આ તરફ દિલ્હી મહિલા આયોગે પણ બલ્લીમારાનસ્થિત શાળા સામે બાળકોને કેદ કરી લેવા સામે કડક કાર્યવાહી કરી પોલીસ અને શિક્ષણ વિભાગ સામે પગલાં ભર્યા હતા અને બંનેને નોટીસ ફટકારી હતી.ઘટનાની જાણ થતાં નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ આવતી કાલે શાળાની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી.
આવતી કાલે તેઓ રાબિયા પબ્લીક સ્કુલની મુલાકાતે જશે તો સાથે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને બાળકોના વાલીઓને પણ લઇ જશે. બાળકો ઉપરાંત તેમની શાળાના શિક્ષકો અને વાલીઓ સાથે પણ તેઓ વાતચીત કરી હકીકત જાણવા પ્રયાસ કરશે. આ ઘટનાની જાણ એ વખતે થઇ હતી કે જ્યારે રિસેસમાં બાળકો નાશ્તો કરવા શાળાની બહાર નહીં આવતા તેમના વાલીઓએ પૂછપરછ શરૃ કરી હતી. ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમની ફી બાકી હોવાથી અમે તેમને બેઝમેન્ટમાં રાખ્યા છે.
દરમિયાન અનેક વાલીઓએ કહ્યું હતું કે તેમણે ક્યારની ફી જમા કરાવી દીધા હતી, છતાં તેમના બાળકોને આ સજા કરાઇ હતી. ઘટનાની જાણ અન્યોને થતાં આચાર્યે બચાવમાં કહ્યું હતું કે બાળકોને એકટિવિટી રૃમ એટલે કે ભોંયરામાં રમવા માટે મોકલ્યા હતા.