- ક્રિપ્ટો કરન્સીનો કરંટ: લાલચમાં 8 હજાર લોકોના રૂ.300 કરોડ જેટલી રકમ ભસ્મીભૂત
- નાણાં ગુમાવનાર અરજદારોએ રાજકોટ પોલીસ કમિશનરથી માંડી ગૃહમંત્રી, ડીજીપીને લેખિત અરજી કરી ન્યાય અપાવવા ગુહાર લગાવી
તાજેતરમાં બીઝેડ ગ્રુપનું કરોડો રૂપિયાનું આર્થિક કૌભાંડ સામે આવ્યું હતું. રૂ. 450 કરોડના કૌભાંડને ટક્કર મારે તેવું વધુ એક કૌભાંડ સામે આવી રહ્યું છે. જે કૌભાંડમાં રાજકોટ સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના અંદાજિત 8 હજારથી વધુ લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ત્રણ ગણું વળતર આપવાની લાલચે અંદાજિત રૂ. 350 કરોડ પચાવી લેવામાં આવ્યા છે. સમગ્ર મામલે નાણાં ગુમાવનાર અરજદારોએ રાજકોટ પોલીસ કમિશ્નરથી માંડી ડીજીપી અને ગૃહમંત્રીને પાંચ કૌભાંડીઓ વિરુદ્ધ લેખિત અરજી કરી ન્યાય અપાવવા ગુહાર લગાવવામાં આવી છે.
સમગ્ર કૌભાંડની પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટના કોઠારીયા વિસ્તારના શક્તિ સોસાયટીમાં રહેતા અને સાબુ-કપડાં ધોવાના પાવડરની એજન્સી ધરાવતા વેપારી મોહસીન રસીદભાઈ મુલતાનીએ કરેલી અરજીમાં બ્લોક ઓરા કંપનીના સ્થાપક ફિરોઝ દિલાવર મુલતાની(રહે. અંકલેશ્વર, ભરૂચ), ભાગીદાર નીતિન જગત્યાની, સૌરાષ્ટ્ર હેડ અમિત મુલતાની( લીંબડી), માર્કેટીંગ હેડ અઝરૂદ્દીન સતારભાઈ મુલતાની અને ગુજરાત હેડ મકસુદ સૈયદનું નામ આપ્યું છે. નાણાં ગુમાવનાર વેપારી મોહસીન મુલતાનીના જણાવ્યા અનુસાર તેઓ હોલસેલ સાબુ-કપડાં ધોવાના પાવડરની એજન્સી ધરાવે છે.
કૌભાંડની વિગતો અનુસાર જૂન, 2022માં અમિત મનુભાઈ મુલતાની રાજકોટ આવેલ ત્યારે જણાવ્યું હતું કે, પોતે બ્લોક ઓરા કંપનીનો સૌરાષ્ટ્ર હેડ છે. આ કંપની દ્વારા ટી બેક નામની ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની સ્કીમ જણાવી હતી. જે સ્કીમ મુજબ રોકાણ કરવાથી ખુબ ઉંચું વળતર મળશે તેમ કહી મુંબઈની સહારા હોટેલમાં યોજાયેલી મિટિંગના વિડીયો બતાવ્યા હતા.
બાદમાં લીંબડી ખાતે મુલતાની પરિવારનું સ્નેહ મિલન યોજાયું હતું જેમાં અમિત મુલતાનીએ ફિરોઝ મુલતાની અને નીતિન જગત્યાનીને બોલાવ્યા હતા. જ્યાં મને આ બંને શખ્સોં સાથે મુલાકાત કરાવી હતી. તે સમયે મારા મિત્રો સાહીલભાઈ મુલતાની, રહીમ જામ, જાવેદ મુલતાની પણ હાજર હતા. આ સમયે ફિરોઝ મુલતાનીએ અમને સ્કીમ વિશે જણાવ્યું હતું કે, આ સ્કીમ હેઠળ એક આઇડી ખોલાવી તેમાં રૂ. 4.25 લાખનું રોકડ રોકાણ કરવાથી રોજ એક ટકો વળતર પેટે મળશે એટલે કે 400 દિવસમાં ત્રણ ગણા વળતર રૂપે રૂ. 12.75 લાખ મળશે. ઉપરાંત ટી બેક કોઈન લોન્ચ થયો ત્યારથી રોકાણકારોને કેટલું વળતર મળ્યું તે તમે ’બ્લોકઓરા.કોમ’ વેબસાઈટના બતાવેલું હતું.
રોકાણકારોને વિશ્વાસમાં લઈ લીધા બાદ અરજદાર વેપારીએ ઓગસ્ટ, 2022માં મિત્ર મનીષભાઈ લશ્કરી અને જાવેદ મુલતાનીની હાજરીમા રોકડા રૂ. 13 લાખનું રોકાણ પેટે આપ્યા હતા. જે બાદ અરજદારને તેમની આઇડીના યુઝરનેમ અને પાસવર્ડ પણ આપી દેવામાં આવ્યો હતો. જે આઇડી મારફતે દરરોજ થતાં નફા અને વળતરનો આંક જોઈ શકાતો હતો.
બાદમાં આ ક્રિપ્ટો કરન્સીમાંથી રોકડ નાણાં વિડ્રોઅલ કરવા અંગે પૂછતાં થોડો સમયમાં ટી બેક કરન્સી કોઈન માર્કેટ નામની વેબસાઈટ પર લોન્ચ થઇ જશે ત્યારબાદ નાણાં ઉપાડી શકાશે તેવું જણાવ્યું હતું. બાદમાં રાજકોટ અને સૌરાષ્ટ્રની અનેક મોટી હોટેલમાં કોન્ફરન્સ કરીને અનેક લોકોને ફસાવવામાં આવ્યા હતા.
જે બાદ ફરીવાર અરજદારે નાણાં વિડ્રોલ કરવા અંગે પૂછતાં હમણાં સિસ્ટમમાં એરર છે જેથી થોડા દિવસમાં વધુ વળતર સાથે પૈસા પરત આપી દેશું તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ વારંવાર નાણાં વિડ્રોલ કરવા અંગે પૂછતાં ફક્ત બહાના બતાવવામાં આવતા હોય અંતે અરજદારે કોઈનમાર્કેટ વેબસાઈટ પર તપાસ કરતા આવી કોઈ જ કરન્સીનું લિસ્ટિંગ નહિ થયાનું જાણવા મળતા પોતે આ સ્કીમમાં છેતરાઈ ગયાંનું જાણવા મળ્યું હતું.
જે બાદ અરજદાર ફિરોઝ મુલતાની અને નીતિન જગત્યાંનીનો સંપર્ક કરવા સુરત પહોંચતા તેઓ હવે મુંબઈ રહેવા ચાલ્યા ગયાંનું જાણવા મળ્યું હતું.
બાદમાં અરજદારે આઇડીમાં જોતા કુલ આઠ હજારથી વધુ લોકોએ રોકાણ કર્યાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ રાજકોટ, જસદણ, લીમડી સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના રોકાણકારોનો સંપર્ક થતાં જાણવા મળ્યું હતું કે, કૌભાંદીઓએ અલગ અલગ જિલ્લા અને પ્રાંતમાં અલગ અલગ હેડની નિમણુંક કરી હતી અને તેઓ લોકોને વિશ્વાસમાં લઇ રોકાણ કરાવી ઠગાઈ આચરી રહ્યા હતા. હાલ સુધી કોઈને પણ એકપણ રૂપિયો નહિ ચૂકવી અબજો રૂપિયાનું કૌભાંડ આચરી લીધાનું ફલિત થયું હતું.
સુરતમાં ત્રણ માસ પૂર્વે નોંધાઈ’તી ફરિયાદ
મામલામાં સુરતમાં રોકાણ કરીને ફસાયેલાં અકરમ મુલતાની નામના રોકાણકારે ફિરોઝ મુલતાની, નીતિન જગત્યાની, કાસીફ આરીફ મુલતાની, એઝાઝ આરીફ મુલતાની અને જાવિદ પીરુ મુલતાની વિરુદ્ધ રૂ. 51 લાખનું રોકાણ કરાવી છેતરપિંડીની ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવી હતી. જે મામલે પોલીસે જાવિદ પીરુ મુલતાનીની ધરપકડ કરી લેતા હાલ જાવિદ જેલ હવાલે છે જયારે અન્ય શખ્સોંએ કરેલી આગોતરા જામીનની અરજી હાઇકોર્ટએ ફગાવી દીધી હતી.
રાજકોટના ફક્ત 12 રોકાણકારોને રૂ. 70 લાખનો ચૂનો ચોપડ્યો
બ્લોક ઓરા નામે કંપની બનાવી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી ત્રણ ગણું વળતર મેળવવાની લાલચ આપી આખા ગુજરાતમાં અબજો રૂપિયાની છેતરપિંડી આચરી લેવામાં આવી છે. જે કૌભાંડમાં રાજકોટના 40થી વધુ રોકાણકારોએ રોકાણ કર્યું હતું. અરજદારે ફક્ત 12 રોકાણકારોએ જ રૂ. 70 લાખનું રોકાણ કર્યું હતું. અરજદારે લેખિત અરજીમાં 12 લોકો સાથે જ કુલ રૂ. 70 લાખની છેતરપિંડી આચરી લેવામાં આવી છે તેવો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ 12 રોકાણકારોમાં તમામે કરેલા રોકાણના આંકડા પણ દર્શાવવામાં આવ્યા છે.
રૂ.65ના ભાવે ખરીદેલી કરન્સીનો ભાવ 12 પૈસા થઇ ગયો
મોટાભાગના રોકાણકારો પાસે વર્ષ 2020 થી 2022 દરમિયાન રોકાણ કરાવવામાં આવ્યું હતું. જે સમયે આ કરન્સીનો ડિજિટલ વોલેટમાં પ્રતિ કોઈની રૂ. 65નો ભાવ હતો.
જે ભાવ અનુસાર જ રૂ. 4.25 લાખ પેટે ટી બેક કરન્સી ડિજિટલ વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવતો હતો પણ કૌભાંદીઓએ કૌભાંડ આચરી લીધા બાદ આ કરન્સીનો ભાવ સીધો જ ધડામ કરી ફક્ત 12 પૈસા કરી નાખ્યો હતો. અરજદારે જણાવ્યું હતું કે, મેં 13 લાખ રૂપિયામાં લીધેલી કરન્સીનો ભાવ હાલ ફક્ત રૂ. 3 હજાર બતાવી રહ્યો છે.