25મી ઓગસ્ટ સુધી સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2023 ચાલશે
ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા વિભાગ, જળ શક્તિ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત આજથી થી તા.25/8 દરમ્યાન સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2023 અંતર્ગત સર્વે કરવામાં આવનાર છે.
આ સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં સ્વચ્છતા અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરીને સ્વચ્છતાની અગ્રીમ હરોળમાં મુકાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગામમાં તમામ સાર્વજનિક/જાહેર/ધાર્મિક સ્થળોએ દૈનિક ધોરણે સાફ સફાઈ કરીએ તથા સ્વચ્છ રાખીએ, ગામમાં જોવા મળતા ધન કચરાને એક જગ્યાએ એકત્ર કરી તેનું ખાતર બનાવી યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. ઘરોમાંથી નીકળતા ઘર વપરાશી ગંદા પાણીને કિચન ગાર્ડન શોષ ખાડો અથવા ભૂગર્ભ ગટરમાં યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. તેમજ રસ્તા પર પાણીના ખાબોચિયા ન ભરાય તેની કાળજી રાખવી, ગામમાં બનેલ જાહેર શૌચાલયની નિયમિત સાફ સફાઈ, આંગણવાડી, પ્રાથમિક શાળા, હાઇસ્કુલ, પંચાયત કચેરી, સહકારી મંડળી કચેરી, દૂધની ડેરી, વેડા, તમામ શેરી-મહોલ્લા વગેરેમાં સફાઈ ઝુંબેશ તથા સ્વચ્છતા હરીફાઈ કરવી જોઈએ.
રાજકોટ જિલ્લાને સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ- 2023માં અગ્રીમ હરોળમાં મુકવા ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ભાગીદાર બનવા ગ્રામ પંચાયતના તમામ સરપંચ, તલાટી કમ મંત્રી, તમામ સભ્ય-પદાધિકારીઓ, ગામના અગ્રણીઓ, સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, શિક્ષકો – આંગણવાડી સંચાલકો સહીત ગ્રામજનોને આ સફાઈ ઝુંબેશમાં જોડાઈ ગામને સ્વચ્છતામાં નંબર બનાવવા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ નમ્ર અપીલ કરી છે.