“મહાત્મા ગાંધીજી કે અહિંસા સ્વભાવ પર જૈન સંતો કા પ્રભાવ” કાર્યક્રમ અંતર્ગત હજારો ભાવિકો અહોભાવિત બન્યા
ભારતને સ્વતંત્રતા અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મતિથિ -અહિંસા દિનના અવસરે “મહાત્મા ગાંધીજી કે અહિંસા સ્વભાવ પર જૈન સંતોકા પ્રભાવ કાર્યક્રમનું આયોજન શ્રમણસંઘીય યુવાચાર્ય પૂજ્ય મહેન્દ્રઋષિજી મહારાજ સાહેબ, ઉપાધ્યાય પ્રવર પૂજ્ય પ્રવિણઋષિજી મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ, સાધ્વીરત્ન પૂજ્ય ઉજ્જવલકુમારીજી મહાસતીજીના શિષ્ય પરિવારના પૂજ્ય જ્ઞાનપ્રભાજી મહાસતીજી તેમજ પૂજ્ય પ્રીતિસુધાજી મહાસતીજી, પૂજ્ય અનુપમાજી મહાસતીજી અને પૂજ્ય મધુસ્મિતાજી મહાસતીજીના સાંનિધ્યે આયોજિત કરવામાં આવ્યો હતો.
એક રાષ્ટ્રપિતાના હૃદયમાં અહિંસા અને સત્યના સંસ્કારો જાગૃત કરવામાં જૈન સંત – સતીજીઓએ આપેલાં યોગદાનની ઐતિહાસિક સ્મૃતિઓને જીવંત કરવા માટે લાઈવ પ્રસારણના માધ્યમે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી આયોજિત કરવામાં આવેલાં આ કાર્યક્રમમાં દેશના ખૂણે ખૂણેથી હજારો ભાવિકો જોડાઈ ગયાં હતાં.
મહાત્મા ગાંધીજીને માંસાહાર, મદિરપાન અને પરસ્ત્રીસંગ ન કરવાની અમોઘ પ્રતિજ્ઞા આપીને એમના અંતરમાં અહિંસા, સંયમ અને સત્યના બીજનું વાવેતર કરનારા ગોંડલ સંઘાણી સંપ્રદાયના મહાન સંત પૂજ્ય બેચરજી મહારાજ સાહેબ અને ૧૯ દિવસ સુધી ગાંધીજીએ જેમના પાવન સાંનિધ્યમાં અમૂલ્ય માર્ગદર્શન પામી પ્રેરણા પ્રાપ્ત કરી એવા શ્રમણ સંઘીય મહાસાધ્વી પૂજ્ય ઉજ્જવલકુમારીજી મહાસતીજીની ઐતિહાસિક ઘટના પર પ્રકાશ પાડીને આ અવસરે, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે કહ્યું હતું કે, મહાપુરુષોના મહાનતાનો જન્મ, જન્મથી નહીં પરંતુ કર્મથી થતો હોય છે. જેમના સાંનિધ્યની એક પળ પણ જન્મ – જન્મના સુસંસ્કારોને પ્રગટ કરનારી પળ બની જાય તે એક સંત હોય છે. સંત એ જ હોય છે જેના અંતરમાં સત્ હોય. એક ઋષિ એટલે કે સંત, એક એવા કૃષિકાર હોય છે જે ભવ્ય જીવોની હૃદયધરા પર સંસ્કારોના બીજનું વાવેતર કરી દેતા હોય છે. એવાં જ સંસ્કારોના બીજનું મહાત્મા ગાંધીજીના હૃદયમાં વાવેતર કરનારા પૂજ્ય બેચરજી સ્વામી અને પૂજ્ય ઉજ્જવલકુમારીજી મહાસતીજીના યોગદાનની સ્મૃતિ કરીને પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે, મહાપુરુષોનું સત્વ એટલું પ્રબળ હોય કે તે શ્રેષ્ઠતાનું સર્જન કરી દેતું હોય છે. સ્વયં શ્રેષ્ઠ હોવા પર શ્રેષ્ઠ નથી બનાતું પરંતુ શ્રેષ્ઠતાનું સર્જન કરનારા શ્રેષ્ઠ હોય છે. દરેક મહાપુરુષના સર્જનમાં અનેક અનેક મહાન આત્માઓનું યોગદાન સમાયેલું હોય છે. આ અવસરે યુવાચાર્ય પૂજ્ય મહેન્દ્રઋષિજી મહારાજ સાહેબે મહાત્મા ગાંધીજીએ ૧૯ દિવસ સુધી જેમનું સાંનિધ્ય મળ્યું હતું એવા શ્રમણસંઘીય સાધ્વીજી પૂજ્ય ઉજ્જવલકુમારીજી મહાસતીજીના શ્રેષ્ઠ સંયમ જીવન પર પ્રકાશ પાડીને કહ્યું હતું કે, ઢાલ અને તલવાર વગર ગાંધીજી એ અહિંસાના શસ્ત્રથી સ્વતંત્રતા મેડવી હતી અને એવા અહિંસાના હિમાયતી મહાત્મા ગાંધીજી માત્ર પુસ્તકો વાંચીને ગાંધીજી નહોતાં બન્યાં પરંતુ સત્યના અધ્યયન અને ચિંતનથી મહાન બન્યાં હતાં.