- બસ પોર્ટમાં મેઇન્ટેનન્સના અભાવે ચાર વર્ષમાં કફોડી સ્થિતિ: વ્યવસ્થા ભાંગીને ભૂકકો:ચુવાંક થતાં નીચે ડોલ મૂકવી પડી
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, જીગ્નેશભાઈ પાટડીયા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, કૈલાશબેન વાઘેલાના જણાવ્યાનુસાર વર્ષ 2020 માં બનાવાયેલા ઢેબર રોડ પરનું એસ.ટી બસ પોર્ટ એ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને એમવીઓમની શાયોના બીઆઈપીએલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પીપીપી યોજના હેઠળ અધ્યતન એરપોર્ટ એ માત્ર કોમર્શિયલ પ્રોજેક્ટ બનીને રહી ગયો. 175 કરોડના ખર્ચે બનેલ આ બસ સ્ટેશન થાળી ભાંગીને વાટકો કર્યું. રીબીન કાપવા અને નવી વોલ્વો બસોના ઉદ્ઘાટન સમયે દેખાતા મંત્રીશ્રીઓ અને ધારાસભ્યો એસ.ટી બસ સ્ટેશનમાં પછી ફરકતા જ નથી. જે પગલે એસટીમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચારો અને મુસાફરોને પડતી હાલાકી બેકાબૂ બની છે. તે સમયે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા એસ.ટીના તંત્રને ઢાંઢોળી રહી છે.
સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં કે જ્યાં રોજ 1500 થી વધુ બસોની અવર જવર રહે છે અને હજારો મુસાફરો જ્યારે રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર આવતા હોય ત્યારે ફક્ત ચારેક વર્ષમાં આ એસ.ટી બસ પોર્ટ મેઇન્ટેનન્સના અભાવે કફોડી હાલત થઈ ગઈ છે અને વ્યવસ્થા પણ ભાંગીને ભૂકકો થઈ છે. એસ.ટી બસ પોર્ટ એ ચોર, લુંટારા, પોકેટમાર, ગઠીયાઓ, અસામાજિક તત્વો અને આવારા ગુંડા તત્વોનું આશ્રય સ્થાન બન્યું છે. એસ.ટી બસ પોર્ટ ની પોલીસ ચોકી એ શોભાના ગાંઠિયા જેવી બની ગઈ છે. પોલીસોની ગુટલી અસામાજિકો માટે મોકળું મેદાન બની છે. એસ.ટી બસ પોર્ટ માં વગર વરસાદે મુસાફરોને છત્રી લઈને આવવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે બે થી ત્રણ જગ્યાએ મુસાફરોની બેઠક વ્યવસ્થા પર છતમાંથી પાણી ટપકતું જોવા મળે છે. ચોમાસા દરમિયાન વરસાદ માં ઓન ધ રોડ ખખડધજ અને ભંગાર ચાલતી એસ.ટી બસોમાં છત્રી લઈને બેસવું પડે જ્યારે વગર વરસાદે એસ.ટી બસ પોર્ટ માં છત્રી લઈ આવવી પડે તેવી સ્થિતિ છે. પ્લેટફોર્મ નંબર 5 પર બેથી ત્રણ જગ્યાએ બસ પોર્ટ ની છતમાંથી પાણી ટપકતું હોવાને પગલે નીચે પાણીની ત્રણેક ડોલો મૂકવી પડી છે આ પરિસ્થિતિ છેલ્લા ત્રણેક દિવસથી હોવાને પગલે અધિકારીઓને ફરિયાદ કરવા છતાં ફરિયાદનું નિરાકરણ ન થતાં ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલાએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરો નોંધવાની ફરિયાદ પોથીમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. 175 કરોડના ખર્ચે બનેલું આ બસ સ્ટેશન હાલ ભંગાર અને ખખડધજ બની ગયું છે.એસ.ટી બસ પોર્ટમાંની છતમાંથી પ્લેટફોર્મ નંબર 5 અને 15 માંથી એસ.ટી માં ચાલતા ભ્રષ્ટાચારના પોપડા છતમાંથી ઉખડીને બહાર આવી ગયા છે. છતમાં બખોરા પડી ગયા છે.
એસ.ટી ના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોની અને પોલીસ તંત્રની બેદરકારી અને લાપરવાહીના પગલે મુસાફરોએ જાન પણ ગુમાવ્યા છે તે પોલીસ સ્ટેશનના રેકોર્ડ પર મૌજુદ છે. એસ. ટી બસ પોર્ટ માં સીસી ફૂટેજ કેમેરા હોવા છતાં રોજબરોજ મુસાફરોના સામાન કે પાકીટ ચોરવાની ઘટના સામાન્ય બની ગઈ છે. એસ.ટી બસ પોર્ટ માં યૂરીનલમાં બાથરૂમ જવાનો લાખો નો ભ્રષ્ટાચાર પોલીસ ચોકીની બાજુમાં અને એસ.ટીના અધિકારીઓના નાક નીચે ચાલી રહ્યો છે મુસાફરો લૂંટાઈ રહ્યા છે. નિંભર તંત્ર વાહકો તમાશો જોઈ રહ્યા છે.