મૉસ્કો એરપોર્ટથી નીકળ્યા બાદ સારાતોફ એરલાઇન્સનું એન્ટોનફ એન-144 પ્રાદેશિક પ્લેન રડાર સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયું હતું.
એરલાઇનના અધિકારીએ રશિયન મીડિયાને આ અંગે જાણકારી આપી છે. આ પ્લેન પર 65 મુસાફરો હતા અને છ ક્રૂના સભ્યો હતા. ઇમરજન્સી સેવાના સૂત્રએ ઇન્ટરફેક્સ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે પ્લેન ક્રેશ થયું છે અને તેમાંથી એક પણ પેસેન્જરના બચવાની આશા નથી.
મૉસ્કોથી આશરે 80 કિ.મી. દૂર દક્ષિણ પૂર્વમાં પ્લેન પડ્યું હોવાના અહેવાલ મળ્યા છે. દુર્ઘટનાસ્થળની તસવીરોમાં બર્ફીલા મેદાનમાં પ્લેનનો કાટમાળ દેખાય છે. તાસ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે કાટમાળ નજીકથી મૃતદેહ મળી આવ્યા છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.
અન્ય ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ એરપોર્ટ છોડ્યાની બે જ મિનિટમાં તે રડાર સ્ક્રીન પરથી અદ્રશ્ય થઈ ગયું હતું. વર્ષ 2015માં આ એરલાઇન્સની આંતરરાષ્ટ્રીય ઉડાનો પ્રતિબંધિત કરી દેવાઈ હતી. એરલાઇને આ પ્રતિબંધ સામે અપીલ કરી અને વર્ષ 2016માં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરી હતી.