છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ થવાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પાટણમાં આજ રોજ વધુ એક ઘટના બની છે જેમાં એસટી ડેપોના ડ્રાઇવર બસ ચલાવતા હતા તે દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. આ મામલે એસટી ડેપોમાં શોકનો માહોલ છવાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાની છે જ્યાં રાધનપુર એસટી ડેપો ખાતે ફરજ બજાવતા ભારમલભાઈ આહીર સવારે ૭ કલાકે રાધનપુરથી સોમનાથની બસ લઈ નીકળ્યા હતા ત્યારે ફરજ દરમિયાન તેમને હાર્ટ એટેક આવતા તબિયત લથડી હતી પરંતુ ડ્રાઇવર તરીકેની પોતાની પહેલી ફરજ છે તે સમજીને ૫૦ મુસાફરોના જીવ બચાવીને રાધનપુર એસટી ડેપો ખાતે પહોંચાડ્યા હતા.
1 એક કિલોમીટર દૂરથી તબિયત લથડતા મજબૂત બની રાધનપુર એસટી ડેપો ખાતે બસ પહોંચાડી પેસેન્જરનો બચાવ કર્યો હતો. ડ્રાઇવરને એટેક આવ્યા બાદ તેમને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્ય હતા જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ભારમલભાઈ આહીરના મૃત્યુની જાણ પરિવારને થતાં પરિવારમાં ગમગીની છવાઈ છે. તો સહકર્મીઓમાં પણ દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.
સુરતમાં હાર્ટ એટેકથી યુવકનું મોત
સુરતમાં 27 વર્ષીય શનિ કાલે નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. યુવક ગઈકાલે મિત્રો સાથે હોટલમાં જમવા ગયો હતો. જમીને ઘરે પરત ફરતી વખતે યુવકને ચાલુ બાઈકે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી મિત્રોએ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે. 27 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ છે.