વ્યસનીઓનો સોબત અને પ્રમાદનો ત્યાગ કરવાની શીખ આપતા આચાર્ય: પ્રભાવક વાણીનો લાભ લેતા ભાવિકો
વર્ધમાનનગર સંઘમાં બિરાજી રહેલા પ્રવચન પ્રભાવક પૂ.આચાર્યદેવ શ્રીમદ વિજય કીર્તિયશસુરીશ્વરજી મહારાજે પોતાની પ્રવચન શ્રેણી અંતર્ગત કુશીલનો સંસર્ગ છોડવાની અને પ્રમાદનો ત્યાગ કરવાની શીખ આપી હતી. પ્રહલાદ પ્લોટ મેઈન રોડ ઉપર અજરામાર ઉપાશ્રયની સામે આવેલી પ્રદ્યુમનસિંહજી સ્કૂલમાં ચાલી રહેલી આ પ્રવચન શ્રેણી અંતર્ગત આચાર્યશ્રી પોતાની વાણીથી મોટી સંખ્યામાં જૈન-જૈનેતરોને પ્રભાવિત કર્યા છે. વિશ્વ હિતચિંતક આચાર્યદેવ શ્રી કીર્તિયશસૂરિશ્ર્વરજી મહારાજની વાણીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે.
જગતમાં અનેક પ્રકારના જીવો છે. જ્ઞાનીઓએ તેમના 4 પ્રકારમાં સમાવેશ કર્યેા છે. કેટલાંક જીવો આપણાથી અધિક ગુણવાળા છે. કેટલાક જીવો આપણાથી ઓછા ગુણવાળા છે, કેટલાક જીવો અગુણી એટલે કે ગુણ વગરના છે જયારે કેટલાક જીવો દુર્ગુણી છે એટલે કે દુર્ગુણોથી ભરેલા છે. આત્મસ્વરૂપને પચાવવાની ઇચ્છાવાળા સાધકે દરેક જીવ સાથે સમાન વ્યવહાર, દરેક પ્રત્યે સમાન ભાવ નથી રાખવાનો. ગુણવાન પ્રત્યે ગુણાનુરાગ કેળવવાનો છે અને તેમના ગુણો આપણામાં પ્રગટે તે માટે તેમની સેવા, ઉપાસના કરવાની છે. જે જીવો અગુણી છે. ગુણ પામી શકે તેવી લાયકાત જેનામાં હજુ પ્રગટી નથી, તેવા આત્માઓ પ્રત્યે ઉપેક્ષા ભાવમાધ્યસ્થ્ય ભાવ ધરવાનો છે. હવે જેઓ દુર્ગુણી એટલે કે દુરાચારી છે તેમની સામે કેવો વ્યવહાર કરવો તે માટે વિશ્ર્વ હિતચિંતક, પ્રવચન પ્રભાવક આચાર્ય દેવ શ્રીમદ વિજય કીર્તિયશ સૂરીશ્ર્વરજી મહારાજ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે 15 પગથિયા પૈકીનો 13મો ઉપાય કુશીલનો સંસર્ગ છોડવો એ વિશે વિચારો વ્યક્ત કર્યા હતા.
આચાર્યશ્રીએ કહ્યું હતું કે, સાત વ્યસન જેવા કે મદિરાપાન, માંસાહાર, જુગાર, શિકાર, પરીગમન, વેશ્યાગમન, ચોરી અને આવા બીજાપણ જ હીનાચાર છે તેનું સેવન જે કોઇ કરતું હોય તેની સાથેની સોબતનો ત્યાગ કરવો. તેનો સંપર્ક ન કરવો.
જેઓ નબળી ભાષાનો પ્રયોગ કરતા હોય, જેમનો વ્યવહાર, હાવભાવ નબળા હોય, જયાં નબળા આચારવાળા લોકો બહુલતાથી રહેતા હોય એવા લોક, પ્રદેશ, પાડોશ આદિનો ત્યાગ કરવો એની સાથે સંપર્ક ન રાખવો. વેવાર પણ એવા હીનાચારવાળા લોકો સાથે ન કરવો. સાધકે જેમ કુશીલના સંસર્ગથી બચવાનું છે તેમ પોતાનો પરિવાર દીકરા દીકરી પણ કોઇ કુશીલના સંપર્કમાં ન આવી જાય તેનું ધ્યાન રાખવાનું છે કોઇપણ કુશીલની સોબત હોય તો વહેલી તકે છોડી દેવી જરૂરી છે. શરૂઆતમાં દીકરા દીકરીનું ધ્યાન ન રાખે, એ કુશીલના સંગથી બચે તેની સાવધાની તે ન રાખે અને પછી એ હાથમાં ન રહે ત્યારે બળાપો કાઢે એ શું કામનો ?
તેમણે કહ્યું હતું કે, નદી પવિત્ર ગણાય છે. નાળા અપવિત્ર ગણાય છે. નદીનાળા સાથે ભળી જાય તો નુકસાન નદીને જ છે, નાળા તો અપવિત્ર જ છે. એ પવિત્ર થવાના નથી. નદી પ્રદૂષિત થાય. આમાંથી પણ આપણને ઘણું શિખખવા મળે તેમ છે.
આચાર્યએ ઉમેર્યું હતું કે, આંબો અને લીમડોબન્નેના ગુણધર્મ તદન વિરોધી આંબો મીઠામધુરો અને લીમડો કડવો એક સ્થાને આંબો અને લીમડો બન્નેના મૂળિયા ભેગા થઇ ગયા. પરિણામ એ આવ્યું કે લીમડાના સંસર્ગથી આંબો આંબો મટી ગયો. એમાય લીમડાની કડવાશ આવી ગઇ માટે જ જ્ઞાની કહે છે કે હલકાની સોબત કયારેય ન કરવી. જો થઇ ગઇ હોય તો તેનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો.
આચાર્યશ્રીએ 14માં ઉપાય તરીકે પ્રમોદ ત્યાગ કરવો તેની પણ સમજ આપી હતી. . માદ એટલે ઉન્મતતા, ભાન ભૂલ્યાપણુ,ં મુંઝારો. પ્રમોદ એટલે અતિશય ઉન્માદ. આત્માને અત્યતં મુંઝવે. ઉન્મત બનાવે એનું નામ પ્રમાદ. પ્રમાદ આત્માને પોતાના મૂળ સ્વભાવથી દૂર કરી વિભાવમાં લઇ જાય છે. માટે પ્રમાદ છોડવા જેવો છે.