સુરત હવે ડાયમંડ સીટીની સાથે ક્રાઈમ સીટી તરીકે પણ ઓળખવા લાગશે તેવી ઘટના સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં પ્રજાના મિત્ર તરીકે ઓળખાતા પોલીસ કર્મીએ મેડિકલ સ્ટોરના માલિકને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને દોઢ લાખની ખંડણી કર્યા બાદ 50 હજારનો તોડ કર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરીને 5 સામે ખંડણીના ગુનો નોંધીને ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર આ ઘટના સુરતના પુણા વિસ્તારની છે જ્યાં અર્ચના સ્કૂલ પાસે ભવાની શંકર વેલનેસ મેડીકલ સ્ટોર ચલાવે છે. તેમના દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે એક વ્યક્તિ માથાના દુઃખાવાની દવા લેવા આવ્યો હતો. જેની ગણતરીની મિનિટોમાં પુણા પોલીસનો હેડ કોન્સ્ટેબલ પંકજ ડામોર ત્યાં પહોંચી પ્રતિબંધીત ડ્રગ્સનું વેચાણ કરો છો એમ કહી નાર્કોટિક્સ એક્ટ હેઠળ કેસ કરવાની ધમકી આપી હતી. આથી ભવાની શંકરે આ દવા શિડ્યુલ ડ્રગ્સ ન હોવાનું જણાવ્યું હતું. છતા પંકજે તેમને રિક્ષામાં બેસાડી પોલીસ કેસ કરવાની ધમકી આપી દોઢ લાખની ખંડણી માંગી હતી ઉપરાંત વેલનેસ મેડિકલ સ્ટોરના પુત્ર અને પત્નીને પોલીસ સ્ટેશને બોલાવી અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા.
પછી પુત્રને લઈ લાંચીયા પોલીસકર્મીએ પોતાની મોપેડ પર વરાછા પોદ્દાર આર્કેડ પાસે લઈ જઈ પહેલા મોપેડમાં પેટ્રોલ પુરાવ્યું પછી એટીએમમાંથી 50 હજાર કઢાવ્યા હતા. પોલીસકર્મીએ 50 હજારનો તોડ કરતા આખરે આ અંગે ભવાનીશંકરે પોલીસ કમિશનરમાં ફરિયાદ કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારી સુધી મામલો પહોંચતા પોલીસકર્મીએ 50 હજાર પરત આપી દીધા હતા. બાદ પોલીસે પંકજ નામના પોલીસકર્મી સહિત 5 સામે ખંડણીનો ગુનો નોંધ્યો હતો જેમાં સમગ્ર કેસની તપાસ એસીપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવી હતી અને પોલીસકર્મી પંકજ ડામોર સહિત તેમના બે સાગરીતોને પકડી પાડી ધરપકડ કરવામાં આવી હતી