કાળાનાણાંને નાથવાની પ્રક્રિયામાં લોકફાળો મેળવવાના ઉદેશથી આવકવેરા વિભાગે લોન્ચ કરી બેનામી ટ્રાન્જેકશન ઈન્ફોર્મેશન રિવાર્ડ સ્ક્રીમ
કાળાનાણાંખોરીઓ પર તુટી પડવા આવકવેરા વિભાગે નવો તખ્તો તૈયાર કર્યો છે. આ માટે વિભાગે બેનામી ટ્રાન્ઝેકશન ઈન્ફોર્મેશન રીવાર્ડ સ્ક્રીમ લોન્ચ કરી છે. આ સ્ક્રીમ અંતર્ગત જે વ્યકિત કાળાનાણાંની વિગતો આઈટી વિભાગને આપશે તે બાતમીદારને રૂ.પાંચ કરોડ સુધીનું ઈનામ મળશે.
આવકવેરા વિભાગે જણાવ્યું કે, ભારતમાં રહેતા લોકોની (ભારતીયોની) બેનામી સંપતીઓ અને વ્યવહારો વિશે ટેકસ અધિકારીઓને માહિતી આપનારા બાતમીદારોને રૂપિયા એક કરોડ સુધીનું ઈનામ મળશે જયારે વિદેશમાં રહેલી ભારતીયોની સંપતી વિશે માહિતી આપશે. તો તેવા લોકોને રૂ.પાંચ કરોડ સુધીનું ઈનામ અપાશે. આ સ્ક્રીમ માત્ર ભારતીયો માટે જ નથી. જો વિદેશમાં ભારતીય નાગરિકની બેનામી સંપતિનો ભાંડો ત્યાંની વિદેશી વ્યકિત જ ફોડે તો તેને પણ આ પ્રમાણે જ ઈનામ અપાશે.
ઈમાનદારો પરનો ટેકસ બોજો ઓછો કરવા અને દેશમાંથી કાળાનાણાંને નાથવાની પ્રક્રિયામાં લોકફાળો મેળવવાના ઉદેશથી આ સ્ક્રીમ શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ (સીબીડીટી)એ જણાવ્યું કે, બ્લેક મની એકટ હેઠળ ભ્રષ્ટાચારીઓનાં આવક અને મિલ્કતોની વિગતો આપનારને પણ પાંચ કરોડ સુધીનું ઈનામ આપવામાં આવશે. આ ઉપરાંત, ભારતમાં મિલકતો પરના ટેકસમાંથી છટકબારી શોધતા લોકો વિશે માહિતી આપનારાઓને રૂ.૫૦ લાખ સુધીનું ઈનામ અપાશે.