ભારત સરકારના નીતિ આયોગ દ્વારા દેશભરના એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અને એસ્પિરેશનલ બ્લોકમાં તા. 06 થી 20મી નવેમ્બર-2024 દરમિયાન 15 દિવસ સુધી જલ ઉત્સવ અભિયાન યોજાનાર છે. નર્મદા જિલ્લામાં થનારી ઉજવણીના આયોજન-અમલવારીની સમીક્ષા અર્થે જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જલ ઉત્સવ અભિયાનમાં જિલ્લાના નાગરિકો સક્રિય રીતે સહભાગી બને અને તેમનામાં જળ વ્યવસ્થાપન, જળ સંચય અને ટકાઉપણાના મહત્વ પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા કેળવાય તે માટે નક્કી કરાયેલા કાર્યક્રમો યોગ્ય રીતે થાય અને જનભાગીદારી વધે તે સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ બેઠકમાં ઉપસ્થિત સૌ અધિકારીઓને સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં તા. 06 નવેમ્બર-2024ને બુધવારના રોજ એસ્પિરેશનલ બ્લોક નાંદોદના જીતગઢ ગામેથી આ કાર્યક્રમનો પ્રારંભ થનાર છે. જલ ઉત્સવ અભિયાનનો મુખ્ય હેતુ પાણીને મુખ્ય અગ્રતા આપવા લોકોમાં જળ સંસાધનોના સંરક્ષણ પ્રત્યે જવાબદારીની ભાવના કેળવાય, દરેક પરિવારો, સ્થાનિક સમુદાયો તેમાં સ્વયંભૂ સામેલ થાય તેવો છે. જલ ઉત્સવ અભિયાન અંતર્ગત સમગ્ર પખવાડિયા દરમિયાન જળ સંપદાઓ જેમકે તળાવો, કૂવા, નદીની સાફ-સફાઈ કરવી, જળ સંચય અંગેના શપથ લેવા, જળ ઉત્સવ રન(મેરેથોન), શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉજવણીમાં ભાગીદારી અંતર્ગત વિવિધ કાર્યક્રમો- સ્પર્ધાઓનું આયોજન કરવું, જળ સંચય દિવસ નિમિત્તે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અંગેની જન જાગૃતિ, વોટર મેનેજમેન્ટ, પીવાના પાણીની સપ્લાઈમાં લિકેજને રોકવા માટે ઝીરો લિકેજની કામગીરી, જળ સંચયમાં મહિલાઓની ભાગીદારી વધારવા સખી મંડળો સાથે વાર્તાલાપ, એક પેડ માં કે નામ, પાણી અને સ્વાસ્થ્ય અંગે વિવિધ તબક્કે કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે. આ બેઠકમાં નાયબ વન સંરક્ષક નિરજકુમાર, જિલ્લા આયોજન અધિકારી, વાસ્મોના અધિકારી વિનોદ પટેલ તેમજ સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.