રસ્તા, ટ્રાફિક, સ્ટોલ, પાણી, રમત-ગમત, સાંસ્કૃતિક પ્રવૃતિઓ સહિતનાં સુચારૂ આયોજન સંદર્ભે માર્ગદર્શન
અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રરનગર જિલ્લાનો વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળો કોરોના મહામારીનાં કારણે બે વર્ષ મોકૂફ રહ્યા બાદ ફરી યોજાવા જઈ રહ્યો છે. થાનગઢ તાલુકાનાં તરણેતર ગામે યોજાતા અને પ્રવાસીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર એવો આ ભાતીગળ મેળો આગામી તા.30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર 2022 સુધી યોજાશે. બે વર્ષ બાદ યોજાઈ રહેલા આ મેળાનાં સૂચારૂ આયોજન સંદર્ભે તરણેતર ખાતે જિલ્લા કલેકટરશ્રી કે.સી સંપટના અઘ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેળાનાં આયોજન સાથે સંકળાયેલા અધિકારીઓ પદાધિકારીશ્રીઓ સાથે દરેક મુદ્દે વિગતવાર ચર્ચા હાથ ધરતા કલેકટર એ જણાવ્યું હતુ કે, સુરેન્દ્રનગરની ઓળખ સમાન તરણેતરનો મેળો સમગ્ર જિલ્લા માટે અતિ અગત્યનો કાર્યક્રમ છે. મેળો સ્થાનિક પરંપરાઓ, કળા અને કલાકારો માટે એક ઉત્તમ મંચ બની રહે, સાચા અર્થમાં લોકમેળો બની રહે, મુલાકાતીઓ મેળાનો મુક્તપણે આનંદ માણી શકે તે પ્રકારનાં ક્ષતિ રહિત આયોજન અને અમલીકરણ માટે પ્રત્યેક વિભાગના અધિકારીઓએ સાથે મળી કાર્ય કરવાનું છે. કલેક્ટર એ મેળાને ધ્યાનમાં રાખીને તરણેતર સુધીનાં વિવિધ રસ્તાઓની સ્થિતી, રસ્તાઓ પર સાઈનેજ ગોઠવવા સહિતની કામગીરી, મેળાનાં દિવસો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, બસનાં રૂટ અને પાર્કિંગ સ્થળો, કાયદો અને વ્યવસ્થા, તળાવ- મેળાનાં મેદાનની સફાઇ, સ્ટેજ રીનોવેશન, વીજ વ્યવસ્થા, પીવાનાં પાણી-શૌચાલયની વ્યવસ્થા, આરોગ્યની ટીમ- એમ્બ્યુલેન્સની સુવિધા, મેળામાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો સહિતની વ્યવસ્થાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવતા તેમણે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.