હેલિપેડ અને કોન્વોયમાં ફાયર સેફટી, મેડિકલ અને ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા સુદ્રઢ કરવા સૂચના આપતા કલેકટર
રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પ્રધાનમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં તા. 28 મે, 2022ના રોજ પટેલ સમાજ સંચાલિત કે.ડી.પી.હોસ્પિટલનું લોકાર્પણ થનાર છે. જેને અનુસંધાને જિલ્લા કલેકટરના અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેકટરએ હેલિપેડ સ્થળ અને કોન્વોયની કામગીરી અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. ફાયર સેફટી, મેડિકલ ટીમ, બી.એસ.એન.એલ. હોટલાઈનની વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત મહાનુભાવોની બેઠક વ્યવસ્થાનું સુચારુ આયોજન કરવા તાકીદ કરી હતી.
તેમજ સભાસ્થળ પર સામાન્ય જનતાના આરોગ્યની કાળજી રાખીને એકસ્ટ્રા એમ્બ્યુલન્સ, સિનિયર ડોક્ટર અને ફિઝિશયન ટીમને સ્ટેન્ડ બાય રાખવા સૂચના આપી હતી.
વધુમાં કલેકટરએ કાર્યક્રમ સમયે પી.એમ.ની આસપાસ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓના ફરજિયાત આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરવા જણાવ્યું હતું. તેમજ કાયદા અને વ્યવસ્થાના ભાગરૂપે મીડિયા પાસ અંગે થયેલી કામગીરીની માહિતી મેળવી હતી. સાથો સાથ સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, ડી.વાય.એસ.પી.ડીઓરા, એસ.પી.જી. રવિન્દ્ર મલિક, ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેર, મેડિકલ ઓફિસર મહેન્દ્રભાઈ ચાવડા, એર ટ્રાફિક ક્ધટ્રોલર, ઇન્ડિયન એર એવીએશન, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.