જિલ્લામાં ઉર્જા વિભાગ દ્વારા મેગા મેઈન્ટેનન્સ હાથ ધરાશે
સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે આજે ઉર્જા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉર્જા અને કૃષિ વિભાગને લગતા વિવિધ પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉર્જા રાજ્ય રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જિલ્લામાં વીજ આપૂર્તિ, વિતરણ અને તેની આંતર માળખાકીય સુવિધાઓને લગતી વિવિધ સમસ્યાઓ અંગે ઝીણવટપૂર્વક માહિતી મેળવતા સ્થાનિક ધારાસભ્યઓ, જિલ્લાનાં પદાધિકારીઓ, પીજીવીસીએલ, જેટકો તેમજ વહીવટીતંત્રનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમનાં ઝડપી નિરાકરણ અંગે વિગતવાર ચર્ચા હાથ ધરી હતી.
ખેતીવાડી માટેનાં વીજ કનેક્શન, સિંગલ ફેઈઝ વિજળી, નવા સબ સ્ટેશન સ્થાપવા, ફીડ઼રોનાં મેઈન્ટેનન્સ સહિતનાં ખેડૂતો અને સામાન્ય જનોને સ્પર્શતા પ્રશ્નો વિશે સંબંધિત પદાધિકારીઓ-અધિકારીઓ પાસેથી વિસ્તારપૂર્વક માહિતી મેળવી તેનાં ઉકેલ અંગે સંબંધિતોને નિર્દેશ-માર્ગદર્શન આપ્યા હતા.
જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારો સહિત દરેક ગામમાં નિયમિત વીજપુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવાને સરકારની પ્રાથમિકતા ગણાવતા તેમણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજળી અંગેના પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવે તેમજ લોકોની જરૂરિયાતોને ધ્યાને લઈ તાત્કાલિક નિવારણ કરવા પડે તેવા પ્રશ્નોનું તાકીદના ધોરણે સમાધાન કરવામાં આવે તે બાબત સુનિશ્ચિત કરવા ઉર્જા વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું. આ માટે સમગ્ર જિલ્લામાં મેગા મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરી સમગ્ર વીજ માળખાને વધુ સુર્દઢ બનાવવા તેમણે ઉમેર્યું હતું.