- નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા અંગે કલેક્ટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ
- પરિક્રમા અર્થે આવતા શ્રધ્ધાળુઓ-ભાવિકો માટે પ્રાથમિક સુવિધા-સુરક્ષા ઉભી કરવા વહીવટી તંત્રની આગોતરી તૈયારીઓ
નર્મદા જિલ્લામાં આગામી તારીખ 29 માર્ચથી 27 એપ્રિલ-2025 એટલે કે ચૈત્ર વદ અમાસ સુધી માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા યોજાશે. દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભાવિકો-શ્રધ્ધાળુઓ ઉત્તવાહિની પરિક્રમામાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે પ્રાથમિક સુવિધી અને સુરક્ષા વ્યવસ્થાના સુચારુ આયોજન- સંચાલન માટે જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં વિવિધ સમિતીઓની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ જણાવ્યું કે, આપણા જિલ્લા માટે આ મહત્વની પરિક્રમા છે. મા નર્મદાની પરિક્રમા શાંતિ પૂર્ણ માહોલમાં આરંભાય અને પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર તરફથી કરવાની થતી તમામ કામગીરી સમયસર શરૂ કરી દેવામાં આવે.
રાજ્યમાંથી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વ્યવસ્થા લક્ષી કેટલીક કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ જિલ્લા વહીવટી તંત્ર તરફથી ભાવિકો માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે, પાણી, લાઈટ, આરોગ્ય, સલામતી, એમ્બ્યુલન્સ વાન, ડીઝાસ્ટર ટીમ, સુરક્ષા વ્યવસ્થા વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. નદીમાં ઊભા કરવાના થતા કામચલાઉ બ્રિજ અને નાવડીની વ્યવસ્થા અંગે પણ જરૂરી વિગતો આપી વિવિધ સમિતિઓને સોંપાયેલી કામગીરી એકબીજા વિભાગો-સમિતીઓના સંકલનમાં રહીને પાર પાડવા તેમજ સમગ્ર પરિક્રમા દરમિયાન નર્મદા બંધના પાવર હાઉસને જરૂરિયાત મુજબ ચલાવી નદીમાં યોગ્ય માત્રામાં પાણીનો પ્રવાહ જળવાય રહે તે જોવા અને આગોતરું આયોજન કરવા ઉપર ભાર મૂક્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, પરિક્રમા અર્થે આવતા શ્રધ્ધાળુઓ વહેલી સવારે રામપુરા ગામે કિડી મંકોડી ઘાટ અને શહેરાવ ઘાટ વચ્ચે અંદાજિત 7 કિ.મી. અને નદી પસાર કરી તિલકવાડા ઘાટથી રેંગણઘાટ 7 કિ.મી.નું અંતર કાપી નદી ઓળંગી રામપુરા ઘાટ ખાતે પરત આવી પરિક્રમા પૂર્ણ કરતા હોય છે. આ પરિક્રમાનું લોકોમાં અનેરૂ મહત્વ અને મહાત્મ્ય હોય છે. દર વર્ષે તેમાં સતત વધારો થતો હોય છે. લાખોની સંખ્યામાં ભાવિકો નર્મદા મૈયાની પરિક્રમામાં જોડાય છે. જેને સોચારુ રીતે પાર પાડવા કલેક્ટરએ સૌને આગ્રહ પૂર્વક જણાવ્યું હતું. જેનો રિવ્યુ ગાંધીનગરથી સરકાર કરી રહી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, જિલ્લા પ્રાયોજના વહીવટદાર અંચુ વિલ્સન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવ, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉધાડ, પ્રાંત અધિકારી સર્વ ડો.કિશનદાન ગઢવી અને ધવલ સંગાડા, નર્મદા પરિક્રમાના આયોજક સાંવરિયા મહારાજ, જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.