2021માં માલવિયાનગર પોલીસ મથકમાંથી નિવૃત્ત થયેલા એએસઆઈ ઘરે જતા હતા ત્યારે ઘટના ઘટી
રીક્ષા ચાલકે માનવતા દાખવી બેભાન થયેલા વૃદ્ધને તુરંત રીક્ષામાં હોસ્પિટલ ખસેડ્યા
રાજકોટમાં હાર્ટ એટેકે વધુ એકનો જીવ લીધો છે. રાજકોટના ચુનારવાડ ચોક પાસે સ્કૂટર લઈ જઈ રહેલા રેલનગરના નિવૃત એએસઆઈને ચાલું બાઈકે આવેલો એટેક જીવલેણ નિવડતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. નિવૃત્ત પોલીસ કર્મી ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં જ એકાએક હૃદય બેસી જતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારે બાજુમાં ઉભેલા રીક્ષા ચાલકે માનવતા દાખવી તેઓને તુરંત પોતાની રીક્ષામાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત રેલનગરમાં આવેલા અમૃત રેસીડેન્સીમાં રહેતાં અને નિવૃત એએસઆઈ મજબૂતસિંહ જુવાનસિંહ ઝાલા (ઉ.વ.62) આજે વ્હેલી સવારે છ વાગ્યાની આસપાસ પોતાના ઝયુપીટર પર કામ અર્થે ગયા હતા. ત્યારે તેઓ પરત ઘરે ફરી રહ્યા હતા તે દરમિયાન ચુનારવાડ ચોક પાસે આવેલા ખોડિયાર હોટલ પાસે પહોંચતા જ તેઓને હાર્ટ એટેક આવતાં બેભાન થઈ જતાં બાઇક પરથી નીચે પટકાયા હતાં.
બનાવ સ્થળે હાજર એક રીક્ષા ચાલકે તુરંત મજબૂતસિંહને પોતાની રિક્ષામાં બેસાડી સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર મળે તે પેહલાં જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી તજવીજ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક જમાદાર મજબૂતસિંહ વર્ષ 2021માં નિવૃત્ત થયાં હતા. ટ્રાફિક શાખામાં વર્ષો સુધી સરાહનીય કામગીરી કરી આખરે તેઓ માલવીયાનગર પોલીસ મથકમાં ફરજ પર હતાં. ચાલુ બાઈક પર નિવૃત્ત પોલીસ કર્મચારીને એટેક આવતા તેમનું મોત થયું હતું જેથી પાચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અને પોલીસબેડામાં શોકનો માહોલ છવાયો છે.