પાક. આતંકીઓને પનાહ આપનારને સબક શીખવવા ટુરીઝમ લીડર્સ કલબ મેદાને
દેશભરના ટ્રાવેલ એજન્ટોને જવાનો અને દેશવાસીઓની પડખે રહી કાશ્મીર ટુરનો બહિષ્કાર કરવા અપીલ
ભારતની એકતા અને અખંડિતતા ઉપર પ્રહાર કરનારા પુલવામા આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનોના પરિવારો પ્રત્યે રાષ્ટ્રીય સ્તરે ટુરિઝમ ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા ટુરિઝમ લીડર્સ કલબ સહાનુભૂતિ દાખવે છે અને આવું નાપાક કૃત્ય કરનારાને પનાહ આપનારા કાશ્મીરીઓને સબક શીખવવા માટે કાશ્મીરની ટુરનો બહિષ્કાર કરવાનો અનુરોધ કરે છે. ટુર એન્ડ ટ્રાવેલ્સ ઈન્ડસ્ટ્રીમાં ટુરિઝમ લીડર્સ કલબ મોટું સ્થાન ધરાવે છે અને દેશભરમાં ૧૮૦ સભ્યો ધરાવે છે. કાશ્મીરની ટુરનો બહિષ્કાર કરવાની અપીલ ઉપરાંત શહિદના પરીવારોને આર્થિક યોગદાન આપવાનો અનુરોધ પણ કરે છે. કાશ્મીરમાં પુલવામાની ઘટનાથી દેશભરના લોકોના હૃદય દ્રવી ઉઠયા છે.
ત્યારે દેશભરના ટ્રાવેલ એજન્ટોએ પણ પોતાની દેશભકિત દેખાડીને શહિદ જવાનો અને દેશવાસીઓને પડખે રહેવા કાશ્મીરનો વિરોધ કરવા માટે કાશ્મીરની ટૂરનો બહિષ્કાર કરવા મન બનાવ્યું છે. આ અભિયાનની શરૂઆત કરવા ટુરિઝમ લીડર્સ કલબ આગળ આવી છે. જુદી જુદી ટ્રાવેલ કંપનીઓ દર વર્ષે કાશ્મીરની ટુરો દ્વારા અબજો રૂપિયાનો વ્યવસાય કરે છે પરંતુ આ કાશ્મીરમાં જ આપણા જવાનોનું લોહી રેડાયું છે ત્યારે લોકોને બીજા સારા વિકલ્પ આપવા અને આપણા જવાનો અને દેશની પડખે રહેવા માટે આજથી આ વર્ષની બધી જ કાશ્મીરની ટુરો કેન્સલ કરવા અપીલ કરે છે.
જયાં સુધી કાશ્મીરીઓ પોતાની દેશભકિત નહીં દેખાડે અને શહીદ થયેલા જવાનો પ્રત્યે પોતાનો પ્રેમ અને દિલગીરી વ્યકત નહીં કરે ત્યાં સુધી કાશ્મીરની ટુર નહીં કરવા નિર્ણય કર્યો છે. આ નિર્ણયને સમર્થન પણ મળ્યું છે. આમ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં પ્રથમ વખત આવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. ટુરિઝમ લીડર્સ કલબે કહ્યું છે કે, જો એક માણસ દેશભરમાં એકતા લાવીને આટલું મોટું કામ કરી શકે છે તો આખો દેશ ભેગો થાય તો શું ન કરી શકે ? આપણા બહાદુર સૈનિકો અને તેમના કુટુંબીજનોને સપોર્ટ કરવાનું આહવાન પણ કર્યું છે.
આ તકે ટુરીઝમ લીડર્સ કલબ સંસ્થાના અમીશભાઈ દફતરીએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં આપણા જવાનો શહિદ થયા એમના માટે કાશ્મીરની ટુર જયાં સુધી શાંતી નહીં થાય ત્યાં સુધી બધી સંસ્થા સાથે જોડાઈને બહિષ્કાર કર્યો છે. ટુરીઝમ લીડર્સ કલબ અને બધી સંસ્થા કમિશનર કચેરીએ આવ્યા છીએ અને અમે ૧૧,૧૧૧નું અનુદાન શહિદો માટે આપીએ છીએ. આ ઉપરાંત જાહેર જનતાને અપીલ છે કે આપ સૌ આ કાર્યમાં જોડાવો. આ ઉપરાંત અમે સમગ્ર એસોસીએશને કાશ્મીરની ટુર ન વેંચવાનો નિર્ધાર કર્યો છે.
આ ઉપરાંત બુધવારે અમે શાંતીપૂર્ણ રીતે કામ બંધ રાખીશું. આ તકે ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ સૌરાષ્ટ્ર પ્રેસિડેન્ટ કલ્પેશભાઈ સાવલિયાએ અબતકને જણાવ્યું હતું કે, હું સૌરાષ્ટ્ર તેમજ સૌ ટ્રાવેલ એજન્ટને અનુરોધ કરુ છું કે, આપણા શહિદોનું બલિદાન એળે ન જાય અને જયાં સુધી કાશ્મીરની જનતા પાકિસ્તાનનો સાથ-સહકાર લઈ જે આતંકવાદનાં કાર્ય કરે છે તેને સબક ન મળે ત્યાં સુધી કાશ્મીરનો સંપુર્ણપણે બિઝનેસમાં બહિષ્કાર કરીએ તેવી સર્વે ભાઈઓને અપીલ છે.
મિલનભાઈ કોઠારીએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની ટ્રાવેલ એસોસીએશનની લીડર સંસ્થા ટાસ અને ટુરીઝમ લીડર કલબ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના ટ્રાવેલ એસોસિએશનને અપીલ કરવામાં આવે છે કે કાશ્મીર ટુરીઝમ અને જે વેંચીએ છીએ તેનો અમે બહિષ્કાર કરીએ છીએ. જયાં સુધી કાશ્મીર પોતાની વફાદારી નહીં દેખાડે ત્યાં સુધી સમગ્ર સૌરાષ્ટ્રના ટ્રાવેલ એસોસીએશન જે લગભગ વર્ષે ૨૫ કરોડ રૂપિયાનો ધંધો કાશ્મીરને આપે છે તેનો અમે બહિષ્કાર કરીએ છીએ. અમે અમારા કસ્ટમરને કાશ્મીર નહીં મોકલીએ. અન્ય સ્થળો પર જયાંની અમે તેમને અપીલ કરીશું.