સુરત સમાચાર

હાલ દેશભરમાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ અયોધ્યાની આબેહૂબ પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બની રહ્યાં છે. હાલ રામમંદિરની ઘરે ઘરે પણ સ્થાપ્ના થાય તે હેતુથી સુરતમાં લાકડાની પ્લાયમાંથી અનોખા મંદિર બનાવવામાં આવી રહ્યાં છે. રોજની 70 જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી 30 બહેનો દ્વારા 100 જેટલા મંદિર લગભગ 500 પાર્ટને જોડીને બનાવવામાં આવી રહ્યાં છે.

વલથાણ પુણાગામ કેનાલ રોડ પર કોર્પોરેટ ગીફ્ટ બનાવનાર રાજેશભાઈ શેખડાએ કહ્યું કે, અમે છેલ્લા 13 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ.પરંતુ જ્યારથી અયોધ્યા મંદિરની ફાઈનલ ડિઝાઈન તૈયાર થઈ અને થ્રીડી ઈમેજ સામે આવી ત્યારથી અમે આ પ્રકારનું મંદિર બનાવવા ઈચ્છા હતાં. જેને અમે લેસર કટિંગ સહિતના 500 ટુકડા બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી સુરતમાં જ તૈયાર કર્યું છે. રામમંદિરની જેમ ગર્ભગૃહ, સભામંડપ, ગુંબજ, ત્રણેય દિશાના દ્વાર સહિતની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.Screenshot 6 2

મંદિરની ડિઝાઈન બનાવનાર સંદિપભાઈ ગોંડલિયાએ કહ્યું કે, અમે મંદિરને આબેહૂબ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. વૂડન કલરમાં જ મંદિરને બનાવ્યું છે. હનુમાનજીની મૂર્તિની સાથે અયોધ્યાનું મંદિર જ લાગે તે પ્રકારે પાંચ સાઈઝમાં મંદિર બનાવ્યું છે. જેમાં સૌથી નાની સાઈઝ 4*6 ઈંચથી લઈને 4*6 ફૂટ સુધીના મંદિર બનાવી રહ્યાં છીએ. જેનું વજન 500 ગ્રામથી લઈને 30 કિલો સુધીનું હોય છે. મંદિરના સ્કેલ પ્રમાણે તથા ડિઝાઈન પ્રમાણે મંદિર બન્યું છે. કોઈ કલરનો ઉપયોગ થતો નથી જેથી 100 વર્ષ જેટલા સમય સુધી એમડીએફ પાઈનવૂડની પ્લાયની ચમક અકબંધ રહે છે.

મંદિરના અલગ અલગ પાર્ટસને જોડનારી 30 બહેનો પૈકી સંગીતાબેનએ કહ્યું કે, અમને આ મંદિર બનાવવા માટેની ટ્રેનિંગ પણ અહિં જ આપવામાં આવી હતી. અમે નાના મંદિર 3 કલાકમાં તૈયાર કરી દઈએ છીએ. જ્યારે મોટી સાઈઝના મંદિર બનાવવામાં 4 દિવસ જેટલો સમય જાય છે. ભક્તિપૂર્વક અમે ભગવાનના મંદિર બનાવીને પુણ્યનું ભાથું કમાતા હોઈએ તેવો ભાવ પણ મનનમાં સતત રહે છે.

મંદિરનું વેચાણ કરનાર રાજેશભાઈએ વધુમાં કહ્યું કે, અત્યાર સુધીમાં 5 હજાર જેટલા મંદિર બનીને લોકોને આપી દેવામાં આવ્યાં છે. લોકો ગીફ્ટ આપવા માટે પણ આ મંદિર લઈ જાય છે. ઉત્તરપ્રદેશ સહિતના બહારના રાજ્યોમાંથી પણ ઓનલાઈન ઓર્ડર મળી રહ્યાં છે. સાથે જ 1 લાખ જેટલા મંદિર બનાવવાનો અમારો ધ્યેય છે. આ મંદિરના વેચાણમાંથી થનારી આવક અમે જરૂરિયાતમંદોને ભોજન કરાવવામાં વાપરીએ છીએ.

મંદિરને પોતાના સ્વજનોને ભેટ આપવા માટે લઈ જનાર સંદીપભાઈએ કહ્યું કે, ઘણા લોકો શારીરિક અસક્ષમતાના કારણે અયોધ્યા દર્શન માટે જઈ શકે તેમ નથી. ત્યારે તેમને ભગવાન શ્રી રામના આ ભવ્ય મંદિરના ઘરબેઠા જ દર્શન થાય તે હેતુથી હું મારા સંબંધીઓ અને મિત્રોને આ મંદિરની પ્રતિકૃતિ આપવાનો છું.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.