- 16 વર્ષીય સગીરાને ભગાડી જનાર શખ્સની 10 વર્ષની સજા રદ્દ કરતી ગુજરાત હાઇકોર્ટ
બાળકો અને સગીરો પર થતાં અત્યાર સામે લડવા વર્ષ 2012માં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રેન ફ્રોમ સેક્યુઅલ ઓફન્સ એક્ટ(પોક્સો) લાગુ કરવામાં આવ્યો હતો. દેશ આખાને હચમચાવી નાખતા નિર્ભયા કેસ બાદ કેન્દ્ર સરકારે બાળકો અને સગીરોનું શોષણ કરતા નરાધમો સામે કડક કાર્યવાહી કરવા પોક્સો એક્ટનો કાયદો ઘડી કાઢ્યો હતો પરંતુ સિક્કાની બે બાજુની જેમ આ કાયદો સો ટકા બાળકો માટે આશિર્વાદરૂપ સાબિત થયો પણ ક્યાંક અમુક અંશે કાયદાની દુરપયોગ પણ થતો હોય તેવું ચિત્ર પણ અમુક સમયે ઉપસી આવતું હોય છે. ખાસ કરીને સગીર જયારે પોતાની મરજીથી કોઈ શખ્સ સાથે સંબંધ બનાવે તો તે બાબતમાં પણ પોક્સો એક્ટ લગાવી પુખ્યવયની વ્યક્તિ સામે કડક પગલાં લેવામાં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટએ પોક્સો એક્ટ હેઠળના એક કેસમાં અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપી નીચલી કોર્ટે પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠેરવી એક શખ્સને ફટકારેલી 10 વર્ષની સજા રદ્દ કરી દીધી હતી. અદાલતે અવલોકન કર્યું હતું કે, મામલામાં 16 વર્ષીય સગીરા તેની મરજીથી પુખ્યવયની વ્યક્તિ સાથે ઘરેથી ભાગી ગઈ હતી.
ગુજરાત હાઈકોર્ટે અમદાવાદની સેશન્સ કોર્ટ દ્વારા બાળકોના જાતીય ગુનાઓથી રક્ષણ (પોક્સો) કાયદા હેઠળ દોષિત ઠેરવવામાં આવેલા એક પુરુષની 10 વર્ષની સજા રદ કરી હતી. સજા રદ કરી પુરુષને જેલમુક્ત કરતી વેળાએ કોર્ટે ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિતને નિશ્ચિત મુદતની સજા ફટકારવાનો અને પીડિતાએ આપેલી કબૂલાતને ધ્યાનમાં લીધો હતો. ઉલ્લેખનીય બાબત છે કે, પીડિતાએ સેશન્સ કોર્ટ સમક્ષ કબૂલાત આપી હતી કે, તેણી પોતાની મરજીથી દોષિત સાથે ભાગી ગઈ હતી.
સમગ્ર કેસની જો વાત કરવામાં આવે તો આ કેસમાં મહારાષ્ટ્રના ભિવંડીના અનવરુલહુદા મન્સુરીને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો હતો. જે જૂન 2022 માં 16 વર્ષ અને સાત મહિનાની સગીરાને તેના ઘરેથી ભગાડી ગયો હતો. સગીરાના પિતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી અને મન્સુરીને પોક્સો એક્ટ તેમજ આઈપીસીની કલમ 363, 366 અને 376 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 25 સપ્ટેમ્બરના રોજ સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે મન્સુરીને પોક્સો હેઠળ દોષિત ઠેરવ્યો હતો અને તેને 10 વર્ષની જેલની સજા ફટકારી હતી.
મન્સુરીએ સેશન્સ કોર્ટના ચુકાદાને એડવોકેટ આદિલ પઠાણ દ્વારા હાઇકોર્ટ સમક્ષ પડકારી હતી અને સજા સ્થગિત કરવાની માંગ કરી હતી જેનો ફરિયાદી અને રાજ્ય સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ હાઇકોર્ટે મન્સુરીને 15,000 રૂપિયાના બોન્ડ અને અન્ય શરતો પર જામીન આપ્યા.
જામીન પર મુક્ત કરતી વખતે હાઇકોર્ટે પીડિતાના નિવેદનને ધ્યાનમાં લીધું હતું કે, આરોપી અને પીડિતા વચ્ચેનો સંબંધ સંમતિથી હતો અને તે પોતાની ઇચ્છાથી તેની સાથે ભાગી ગઈ હતી. વધુમાં હાઇકોર્ટે આ કેસમાં ફિક્સ્ડ ટર્મ સજા પર વિચાર કર્યો અને સુપ્રીમ કોર્ટના વિવિધ આદેશો પર આધાર રાખ્યો હતો જેથી એવા કેસોમાં સજા સ્થગિત કરવાની વિનંતીઓ ઉદારતાથી ધ્યાનમાં લેવામાં આવે જ્યાં આજીવન કેદની સજા નહીં પણ ફિક્સ્ડ ટર્મ સજા ફટકારવામાં આવી હોય.