સૌરાષ્ટ્રમાં સવારથી મેઘાનું જોર: લાલપુર અને ખંભાળીયામાં અઢી, વેરાવળ, કોડિનારમાં બે ઇંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં આજે સવારથી ફરી મેઘાનું જોર જોવા મળી રહ્યું છે. આજે બપોર સુધીમાં રાજ્યના 55 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ ચાર ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ચાર કલાકમાં અનરાધાર ચાર ઇંટ જેટલો વરસાદ પડી જતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. રાજકોટ શહેરમાં પણ મેઘાવી માહોલ વચ્ચે સવારે જોરદાર ઝાપટું પડી ગયું હતું.બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાવવાના કારણે ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં 100 ટકાથી વધુ વરસાદ પડી ગયો છે.
દરમિયાન આજે સવારથી રાજ્યમાં મેઘરાજાનું જોર જોવા મળી રહ્યું છે. સવારથી સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. સુત્રાપાડામાં ચાર કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસી જતાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી અને નદીઓમાં પણ ઘોડાપુર આવ્યા હતાં. આ ઉપરાંત જામનગર જિલ્લાના લાલપુરમાં ચાર કલાકમાં અઢી ઇંચ, ખંભાળિયામાં અઢી, વેરાવળ, કોડિનારમાં બે ઇંચ, માળીયા હાટીના, તાલાલા, કલ્યાણપુર, જામજોધપુરમાં દોઢ ઇંચ, ભાણવડ, જામનગર, કાલાવડ, જાફરાબાદમાં એક ઇંચ, ખાંભા, મેંદરડા, રાણાવાવ અને ઉનામાં અડધાથી લઇ પોણો ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. આગામી ચાર દિવસ હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.