RR સેલની ટીમે ગેટ સ્ટેશનની બહાર વોચ રાખી
સુરેન્દ્રનગરમાં અન્ય રાજ્યોમાંથી આવતી ટ્રેનોમાં દારૂની હેરફેર થતી હોવાની બાતમીને આધારે આર આર સેલની ટીમે સુરેન્દ્રનગરના ગેટ સ્ટેશને વોચ રાખી હતી. જેમાં એક શખ્સને વિદેશી દારૂની બોટલ, બિયરના ટીન સહિત રૂપિયા 17,900ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ એ ડીવિઝિન પોલીસના હવાલે કર્યો છે.
સુરેન્દ્રનગરમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ ઠેરઠેર દરોડા કરી રહી છે. આ દરમિયાન વાતાવરણ કડક બનતા રેલવે માર્ગે જિલ્લામાં દારૂ ઘૂસાડવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આર આર સેલના પીએસઆઇ એમ.પી.વાળાને મળેલી બાતમીને આધારે ટીમે સુરેન્દ્રનગર ગેટ સ્ટેશને વોચ રાખી હતી. જેમાં શહેરના અંબિકા પાર્કમાં રહેતા ભરતભાઇ નંદલાલ મોચી હાથમાં શંકાસ્પદ હાલતમાં સૂટકેશ લઇને પસાર થતા અટકાવી તલાશી લેવાઇ હતી. જેમાં સુટકેશમાંથી 10 નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા 500, 24 બિયરના ટીન કિંમત રૂપિયા 2400, ર મોબાઇલ કિંમત રૂપિયા 10 હજાર અને રૂપિયા 500ની કિંમતની સુટકેશ સહિત રૂપિયા 17,900ના મુદ્દામાલ સાથે ભરત મોચીને ઝડપી લેવાયો છે. પોલીસ તપાસમાં ભરતે અગાઉ પણ આ રીતે દારૂની એકવાર ખેપ મારી હતી. જેમાં તે સફળ રહેતા બીજીવાર ખેપ મારીને આવતો હતો ત્યાં ઝડપાયો હતો. ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચાલુ છે.