ઇન્દોરના વેપારીને ડિલિવરી આપવા જતા લીંબડી પાસેની હોટલે બસ વોલ્ટ કરતા ગઠીયા ઘરેણા સાથેનો થેલો લઇ રફુચકર થયો
ઘરેણા સાથેનો થેલો લઇ ગઠીયો બલેનો કારમાં બેસી રાજકોટ તરફ ભાગી ગયાના સીસીટીવી ફુટેજ મળ્યા
તસ્કરોની કાર બસ પહેલાં હોટલે પહોચી ગઇ હોવાથી ચોરીમાં જાણભેદુની સંડોવણીની શંકા
રાજકોટ-લીંબડી હાઇવે પર આવેલી દર્શન હોટલ ખાતે ઉભેલી બસના રાજકોટના મુસાફરના રૂા.88 લાખની કિંમતના સોનાના ઘરેણા સાથેનો થેલો ચોરાયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. માતબાર રકમની ચોરીમાં તસ્કરોએ અગાઉ રેકી કરી અંજામ આપ્યાની અને જાણભેદુની સંડોવણીની શંકા સાથે પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કુવાડવા રોડ પર રહેતા શૈલેષભાઇ વિઠ્ઠલભાઇ પટોડીયાએ પોતાનો રૂા.88 લાખની કિંમતના સોનાના ઘરેણા સાથેનો થેલો દર્શન હોટલ ખાતેથી ચોરાયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
શૈલેષભાઇ પટોડીયા ઘણા સમયથી સોનાના ઘરેણા બનાવી ઇન્દોર ખાતે વેચતા હોવાથી પોતાના નિત્યક્રમ અનુસાર ગઇકાલે ગ્રીનલેન્ડ ચોકડીથી પોતાના મિત્ર સાથે રૂા.88 લાખની કિંમતના સોનાના ઘરેણા સાથે ખાનગી ટ્રાવેલ્સની બસમાં ઇન્દોર જવા નીકળ્યા હતા. બસ ગત રાતે દસેક વાગે લીંબડી નજીક દર્શન હોટલ ખાતે વોલ્ટ થઇ ત્યારે શૈલેષભાઇ પટોડીયા રૂા.88 લાખની કિંમતના ઘરેણા સાથેનો થેલો બસમાં રાખી પોતાના મિત્ર સાથે ટોયલેટ ગયા હતા તે દરમિયાન તસ્કરોએ ચોરી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
તસ્કરોએ શૈલેષભાઇ પટોડીયાનો રાજકોટથી જ પીછો કર્યો હોય તેમ અગાઉથી જ બસમાં મુસાફરના સ્વાંગમાં બેસી ગયો હતો. બીજા તસ્કરો પોતાની બલેનો કાર લઇને લીંબડી પાસેની દર્શન હોટલ ખાતે બસની પહેલાં પહોચી ગયા હોવાથી તસ્કરોએ રેકી કર્યા બાદ ચોરીની ઘટનાને અંજામ આપ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
શૈલેષભાઇ પટોડીયા થેલો રેઢો મુકીને ટોયલેટ ગયા ત્યારે તસ્કરે મોકાનો લાભ ઉઠાવી ઘરેણા સાથેના થેલા સાથે બસમાંથી નીચે ઉતરી દર્શન હોટલ ખાતે અગાઉથી જ પાર્ક કરેલી બલેનો કારમાં બેસી જતા કાર રાજકોટ તરફ તસ્કરોએ હંકારી હોવાના ફુટેજ મળતા ચોરીની ઘટનામાં શૈલૈષભાઇ પટોડીયાના કોઇ પરિચિત જાણભેદુની સંડોવણી હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે.
પોલીસે સીસીટીવી ફુટેજની મદદ લઇ ચોરીનો ભેદ ઉકેલવા સુરેન્દ્રનગર એલસીબી અને જોરાવરનગર પી.એસ.આઇ. એન.એચ.કુરેશી સહિતના સ્ટાફે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.