નવા મકાનની માનતા પૂરી કરવા જતાં પરિવારને અકસ્માત નડ્યો બાઇકમાં આગ લાગતાં પતિ દાઝ્યો,પત્ની અને પુત્ર ઇજાગ્રસ્ત
રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહેતા પરિવારને બામણબોર નજીક એક ભયાનક અકસ્માત નડ્યો હતો. જેમાં રાજકોટનો પરિવાર નવા બનાવેલા મકાનની માનતા પૂરી કરવા માટે ચોટીલા જઈ રહ્યા હતા. ત્યારે બામણબોર પાસે એકાએક બાઈકમાં આગ લાગતા બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેના કારણે બાઇક ચાલક દાઝી ગયો હતો અને બાઇક પર સવાર માતા પુત્રને ઇજા થતાં ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં રહેતા મુકેશભાઈ સિકંદરભાઈ રાણા (ઉ.વ.30), તેની પત્ની બબીતાબેન મુકેશભાઈ રાણા (ઉ.વ.28) અને પુત્ર નિલેશ મુકેશભાઈ રાણા (ઉ.વ.9) બાઈક લઈને ચોટીલા જઈ રહ્યા હતા. ત્યારે બામણબોર નજીક ચાલુ બાઇકમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં ચાલક મુકેશભાઈ રાણા દાઝી જતા ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થયું હતું.
જેના કારણે બાઈક સ્લીપ થતા બબીતાબેન રાણા અને તેના પુત્ર નિલેશ રાણાને ગંભીર ઇજા પહોંચી હતી. આ આકસ્મિક ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા મુકેશ રાણા અને ઇજાગ્રસ્ત માતા-પુત્રને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મુકેશભાઈ રાણા ત્રણ ભાઈમાં વચ્ચે તને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે મુકેશભાઈ રાણાએ નવા બનાવેલા મકાનની માનતા પૂરી કરવા ચોટીલા દર્શને જઈ રહ્યા હતા. ત્યારે ચાલુ બાઈકમાં આગ ભભુકતા બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.