બંગાળની ખાડીમાં સાયકલોનિક સરક્યુલેશન સર્જાવાના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયના કેટલાક સ્થળોએ હળવાથી ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી
ગત મહિને ઠેર ઠેર તારાજી કર્યા બાદ આગામી તા.૨૧ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન વરસાદનો વધુ એક દૌર શ‚ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બંગાળની ખાડીમાં સાયકલોનીક સિસ્ટમ સર્જાવાના કારણે તેમજ લો પ્રેસર ઉભુ થવાથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં હળવાથી ભારે વરસાદની શકયતા છે. જોકે આ સિસ્ટમ જુલાઈ મહિનાની સિસ્ટમ જેટલી ઘેરી ન હોવાના કારણે અતિ ભારે વરસાદ પડશે નહી.
રાજ્યના ઇમરજન્સી ઑપરેશન સેન્ટર ખાતે રાહત નિયામકના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સંભવિત વરસાદ સામે વહીવટી તંત્રની સજ્જતા સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકમાં ભારતીય હવામાન ખાતાના ગુજરાત સ્થિત નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાવાના કારણે આગામી તા.૨૦ થી ૨૨ ઑગસ્ટ દરમિયાન રાજ્યના ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. સંભવિત વરસાદ સંદર્ભે જિલ્લા-તાલુકા મથકે કાર્યરત કંટ્રોલ રૂમને જરૂરી સૂચના આપવા, રાહત-બચાવ સંદર્ભે આપત્તિ વ્યવસ્થાપન પ્લાનના અમલીકરણ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોનું સંકલન ઉપરાંત રાજ્યના આરોગ્ય, શિક્ષણ, માર્ગ-મકાન, કૃષિ, વાહન વ્યવહાર, ઊર્જા વગેરે વિભાગોના સંકલન અને વ્યવસ્થાપન વિશે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. રાહત નિયામક એ.જે.શાહે જુદા જુદા વિભાગોના ઉપસ્થિત અધિકારીઓ સાથે આ બેઠકમાં જરૂરી વિચાર વિમર્શ કર્યો હતો.