કિરણ પટેલ, વિરાજ પટેલ, નિકુંજ પટેલ બાદ હવે લવકુશ દ્રિવેદીનો રોફ
ગુજરાતમાં નકલી પીએમઓ અને સીએમઓનો રાફડો ફાટયો હોય તેવું લાગી રહ્યું છે. પોતે મુખ્યમંત્રી કાર્યાલયનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપી જીએસટી અધિકારીઓને તપાસ બંધ કરી લેનાર નકલી અધિકારી ઝડપાયો છે. રાજયમાં જે રીતે મી. નટવરલાલનો રાફડો ફાટયો છે તેથી લોકોએ ચેતી જવાની જરૂરીયાત છે.
પીએમઓ અને સીએમઓમાં ફરજ બજાવતા હોવાની ઓળખ આપી રોફ જમાવનારાઓની ગુજરાતમાં કોઇ કમી ન હોય તેવું લાગી રહ્યું છે. પી.એમ.ઓ. તરીકે ઓળખ આપી કિરણ પટેલે વર્ષો સુધી રોફ જમાવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં ઝેડ કેટેગરી મેળવી હતી. સેનાના અધિકારીઓ સાથે પણ સરહદી સુરક્ષાને લઇ બેઠક યોજી હતી. આ ઘટનાથી દેશભરમાં ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ વડોદરાનો વિરાજ પટેલ સીએમઓ અધિકારી હોવાની વાત કરી રોફ હાંકતો પકડાયો હતો. જામનગરનો નિકુંજ પટેલ પણ સીએમઓ અધિકારી તરીકે પોતાની ઓળખ આપતો હોવાની ફરીયાદ મળી હતી તપાસ કરતા વધુ એક મિ. નટવરલાલ પકડાયો હતો. દરમિયાન ગઇકાલે વધુ એક ઠગ પકડાયો હતો. જે સીએમઓના અધિકારી તરીકે ઓળખ આપી રોફ જમાવતો હતો. અમદાવાદનો લવકુશ દ્રિવેદીએ તાજેતરમાં પોતાના જાણીતાને ત્યાં જીએસટીના અધિકારીઓ તપાસ અર્થે ગયા હતા ત્યારે તેઓને ફોન કરી પોતાની ઓળખ સીએમઓ અધિકારી તરીકે આપી હતી. જો પાછળથી ભાંડો ફુટયો હતો.
અસામાજીક પ્રવૃતિ કરતાં લોકોને જાણે પોલીસ કે કાયદાનો રતિભાર પણ ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પીએમઓ અને સીએમઓ અધિકારી તરીકેની ઓળખ આપી રોફ જમાવતા પણ લોકો અટકાતા નથી. બીજી તરફ નકલી અધિકારીઓ પકડાયા બાદ તેઓને દાખલારૂપ સજા કરવામાં આવતી ન હોવાના કારણે અન્ય લોકો આવું કૃત્ય કરતા જરાપણ અચકાતા નથી.