અભ્યાસના સમગ્ર વર્ષ દરમિયાન છાત્રોનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં શિક્ષકની ભૂમિકા અહંમ: બાળકોની વય-કક્ષા મુજબ મૂલ્યાંકનના માપદંડ અલગ હોવા જરૂરી
પરીક્ષાનું જીવન કે જીવનની પરીક્ષા. આજકાલ તો વીકલી ટેસ્ટનો યુગ આવી ગયો છે. પ્રાચીન કાળમાં ગુરૂકુળ પધ્ધતિમાં પરીક્ષા કે ડીગ્રી હતી જ નહીં છતાં બધા છાત્રોને બધુ જ આવડી જતું હતું. વર્ષોથી આપણા શિક્ષણ વિભાગમાં ચાલી આવતી પરીક્ષા, ટેસ્ટ કે મૂલ્યાંકન પધ્ધતિમાં હવે આમુલ પરિવર્તનની જરૂરિયાત છે. છાત્રોની વય-કક્ષા મુજબ તેનું મૂલ્યાંકન થવું જરૂરી છે. બાળકોને ટેસ્ટનો ભાર ન લાગવો જોઇએ. મનોવિજ્ઞાન પણ ભાર વગરના ભણતરની હિમાયત કરે છે ત્યારે બાળકો કે છાત્રોના ટીચર તેનો ઊંડો અભ્યાસી હોવો જરૂરી છે. આજે તો વિકલી ટેસ્ટમાં દર શનીવારે બે કે ત્રણ વિષયની પરીક્ષા બાળકોની લેવાય છે ત્યારે ગોખણીયા જ્ઞાનનો વ્યાપ છાત્રોમાં વધી રહ્યો છે, આવા જ્ઞાનની કસોટી લેવાથી ક્યારેય છાત્રનું સાચુ મૂલ્યાંકન થઇ ન શકે.
સાચી મૂલ્યાંકન પધ્ધતિ વર્ગખંડના તમામ છાત્રોનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન છે. જેમાં તમામ પ્રકારનાં શિક્ષણના પાસા આવરી લઇને વિદ્યાર્થીનું મૂલ્યાંકન થાય છે. બાળકોની વય-કક્ષા મુજબ મૂલ્યાંકનના માપદંડ અલગ-અલગ હોવા જરૂરી છે. વિદ્યાર્થીઓમાં જીજ્ઞાસાવૃત્તિ વધારે હોવાથી તેનામાં નવું નવું જાણવાની તાલાવેલી વિશેષ જોવા મળતી હોય છે. વર્ગખંડની ઇત્તર પ્રવૃત્તિમાં કે સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં વિદ્યાર્થીની સક્રિય સામેલગીરી જ તેના મૂલ્યાંકનનો રાહ આસાન બનાવે છે. ઘણીવાર આવી પ્રવૃત્તિમાં સક્રિયતા દાખવતો છાત્ર જ અન્ય વિષયોમાં નબળો પણ જોવા મળે છે. બાળકને ખબર પણ ના પડે તેવી રીતે તેનું મૂલ્યાંકન અને સતત અને સક્રિય મોનીટરીંગ સાથે જરૂરી માર્ગદર્શન પણ તેનો સંર્વાગી વિકાસ ઝડપી બનાવે છે.
વર્ગખંડની દરેક સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લેતો વિદ્યાર્થી વિષયોની મૂલ્યાંકન ટેસ્ટમાં નબળો પણ હોય શકે છે: બાળકને ખબર પણ ના પડે તેવી રીતે તેનું સતત મોનીટરીંગ સાથે જરૂરી માર્ગદર્શન તેનો વિકાસ ઝડપી બનાવે છે
છાત્રોના શૈક્ષણિક વિકાસ અને તેના સંર્વાગી વિકાસ માટે વાલીઓનો સહયોગ પણ આવશ્યક છે. બાળકની નિયમિતતા, સ્વચ્છતા, વર્ગશિક્ષકને મળવું, બાળકમાં વિવિધ ગુણોનું સિંચન કરવું, નિયમિત ગૃહકાર્ય કરાવવું, વડિલોને આદર આપવાની વાત, પોતાના સંતાનોના શોખમાં પ્રોત્સાહન, શાળાની દરેક પ્રવૃત્તિમાં ભાગ લેવા સહકાર અને ભાઇચારા, એકાગ્રતા, શિસ્ત જેવા વિવિધ બાબતોમાં શાળા છુટ્યા બાદ બાળક ઘરે જ હોવાથી તેનામાં ધ્યાન અને સમય ફાળવવો જરૂરી છે. પ્રથમવાર બોલતા બાળક ઘરેથી શીખે છે તેથી માતા-પિતા, પરિવારે પોતાના વર્તનમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. બાળક આસપાસના પર્યાવરણમાંથી વિશેષ શીખતો હોવાથી ઘણી કાળજી માતા-પિતાએ લેવી પડે છે. શિક્ષકની સાથે મા-બાપનો પણ સંર્વાગી વિકાસમાં ફાળો હોય છે.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલિમ પરિષદ (ૠઈઊછઝ) દ્વારા ધો.1 થી 8નાં શિક્ષકો માટે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન માટે શિક્ષક માર્ગદર્શિકા બહાર પાડી છે. વિષય વાઇઝ સંત્રાંત મૂલ્યાંકનમાં વિષય વાઇઝ ટુકા પ્રશ્ર્ન જવાબ, વર્ણનાત્મક પ્રશ્ર્નો સાથે અતિ ટુકા જવાબી પ્રશ્ર્નો તૈયાર કરવા જરૂરી છે. અર્થ વિસ્તાર, વિધાન સમજવા, પત્ર લેખન, ભાષાંતર, નિબંધ વિગેરે સર્વગ્રાહી મૂલ્યાંકન બાબતે શિક્ષકે તૈયારી કરવી જરૂરી છે. આજની 21મી સદીમાં કેળવણી દ્વારા વિદ્યાર્થીઓને નુતન પરિપ્રેક્ષ્યમાં સર્વગ્રાહી શિક્ષણ આપીને તેનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરી તેમનામાં નૈપુણ્ય ઉત્પન કરવું જોઇએ જેનાથી નવા યુગમાં તેમના જીવનનો સંર્વાગી વિકાસ સાધવામાં સફળ થાય છે. આજે તો સેમેસ્ટર પધ્ધતિ હોવાથી બાળકોનું ભારણ ઘટ્યું છે.
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના એક શૈક્ષણિક અને બીજું સહ શૈક્ષણિક મૂલ્યાંકન જેવા બે પ્રકાર છે. શાળા કક્ષાએ ભણાવાતા વિષયોની ઉપલબ્ધી (આઉટકમ) જાણવા અને કેટલી સિધ્ધી મેળવી તે જોવાય છે. બાળકની બુધ્ધિમતા સાથે જોડાયેલ બાબતોનો સમાવેશ શૈક્ષણિક ક્ષેત્રમાં થાય છે. શૈક્ષણિક મૂલ્યાંકનમાં અભ્યાસક્રમ, એસાઇનમેન્ટ, પ્રોજેક્ટ વર્ક, પ્રાયોગિક વર્ક, મૌખિક કાર્ય વિગેરે પ્રવિધીઓ દ્વારા અધ્યન અનુભવો આપીને મૂલ્યાંકન કરાય છે. બાળકનું રચનાત્મક મૂલ્યાંકન, સત્રાંત મૂલ્યાંકન, સ્વ.અધ્યયનકાર્ય, પ્રતિનિધિરૂપ અધ્યયન ઉપલબ્ધિઓ, વિધાનો જોવા જરૂરી છે. રચનાત્મક મૂલ્યાંકનમાં શાળાના આચાર્યની ભૂમિકા મહત્વની ગણાય છે. વિવિધ સ્પર્ધામાં ભાગ સેવો તે પણ મૂલ્યાંકનનો ભાગ ગણાય છે.
નાના બાળકો અને પ્રાથમિક શિક્ષણના છાત્રોમાં જીજ્ઞાસાવૃત્તિ વધુ હોવાથી નવું-નવું જાણવાની તાલાવેલી હોય છે: શિક્ષણમાં ગોખણીયા જ્ઞાનથી ક્યારેય વિદ્યાર્થીનું સાચુ મૂલ્યાંકન ન થઇ શકે
આજની મૂલ્યાંકન સ્થિતિમાં એક માર્ગી અને નિષ્ક્રિય છાત્ર, જ્ઞાન મેળવે પણ ગોખણપટ્ટીથી, બધા બાળકો એક સરખી ઝડપે શીખે, બાળકના અનુભવોને અવગણવામાં આવે વિગેરે સમસ્યા જોવા મળે છે. સર્ગગ્રાહી મૂલ્યાંકનના ફાયદામાં વિદ્યાર્થી સક્રિય, જ્ઞાન સર્જન, ચિંતન, બાળકોના અધિકાર, બાળકના જ્ઞાનનું મૂલ્ય સાથે દરેકની જરૂરિયાત મુજબ શિક્ષણ છાત્રોને મળે છે.
આજના યુગમાં શિક્ષકો કહે છે કે નાના બાળકોને શિક્ષણ આપવું અઘરૂ તો મોટા બાળકો કંટ્રોલમાં નથી રહેતા. નાના બાળકોનું મૂલ્યાંકન અઘરૂ નથી પણ સહેલું છે કારણ કે તેનામાં નવું-નવું જાણવાની વિશેષવૃત્તિ સાથે તે શિક્ષકોની દરેક સુચનાનો અમલ કરે છે. ધો.1-2ના બાળકો કે ધો.3-4ના બાળકોને સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં માટીકામ, કાગળ કામ, રમત, રંગપૂરણી, જોડકણાં, બાળગીતો, ચિત્રો, આકૃત્તિઓ, સંગ્રહ પ્રવૃત્તિ, પ્રવાસ-પર્યટન, નાટ્યપ્રવૃત્તિ, વાર્તાકથન જેવી વિવિધ બાબતોના આધારે સર્વગ્રાહી મૂલ્યાંકન કરી શકાય છે. બાળક ગીતો, જોડકણાં કે રાષ્ટ્રગીત ગાય શકે છે જેવા વિષય વસ્તુ આધારિત મૂલ્યાંકન સાથે મૌખિક અભિવ્યક્તિને પણ મહત્વ આપવાનું છે. પશુ-પંખી, પ્રાણીઓના નામ, દિશા ઓળખે, નાનુ-મોટું, લાંબુ, જાડું સાથે વિવિધ વ્યવસાયોને ઓળખેએ જરૂરી છે. સ્થાનિક તહેવારોની ઉજવણીમાં તેને સામેલ કરો અને તે જે જોવે છે તેને તે વિષે બોલવાનું કહો જેથી તેની કલ્પનાશક્તિ ખીલશે.
બાળકોમાં વય-કક્ષા મુજબ ક્ષમતા સિધ્ધ થાય !!
બાળકનું મૂલ્યાંકન ધીરજ સાથે ખૂબ જ તકેદારી માંગતી પ્રક્રિયા છે. મૂલ્યાંકનમાં રચનાત્મકના 40, સંત્રાંતના 40 અને સ્વઅધ્યયનના 20 ગુણ મળી કુલ 100 ગુણનું મૂલ્યાંકન થાય છે. આ પ્રક્રિયામાં છાત્રોની વય-કક્ષા મુજબ ક્ષમતાઓ સિધ્ધ થાય છે એ ભૂલવું ન જોઇએ. બાળકોની જિજ્ઞાસાવૃત્તિ, અવલોકન, ચોકસાઇ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, ચિંતન, નિર્ણયશક્તિ, સર્જનાત્મક જેવા વિવિધ મુદ્ાનો સમાવેશ થાય છે. પર્યાવરણમાં ‘મારી આસપાસ’ વિષય સંદર્ભે તે શિસ્તનું મહત્વ, સજીવ-નિર્જીવનું વર્ગીકરણ સાથે સ્થાનિક પર્યાવરણ વિશે જેવા વિવિધ બાબતે જાણકારી મેળવે છે. સામાજીક વિજ્ઞાન વિષય સંદર્ભે સાંસ્કૃતિક વારસાનું ગૌરવ-સંવર્ધન, પ્રકૃતિપ્રેમ, લોકશાહીની સભાનતા, સામાજીકતા જેવું શિક્ષણ મેળવે છે. સતત સર્વગ્રાહી મૂલ્યાંકનમાં તેના ઘણા કૌશલ્યો ખીલે છે.