- 10મેથી ખુલશે બાબા કેદારનાથના દર્શન
- ઉત્તરાખંડના ઊંચા શિખરો વચ્ચે આવેલા કેદારનાથ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર: પ્રાચિનકાળથી ઘણી વાર્તાઓમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે: પાંડવોએ પણ કેદારનાથનો આશરો લીધો હતો
- 2013માં આવેલા પૂરને કારણે ગૌરીકુંડથી રામબાડાનો જુનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઇ ગયો હતો: આ સ્થળ દરિયાઇ સપાટીથી 11,755 ફૂટ જેલી ઉંચાઇએ આવેલું હોવાથી અહિં છ મહિના જેટલો સમય બરફ છવાયેલો રહે છે
ચાર ધામની યાત્રામાં કેદારનાથ મંદિરનું વિશેષ સ્થાન આપણાં હિન્દુ ધર્મમાં છે. પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યુ અને તેનો ર્જીણોધ્ધાર આદિશંકરાચાર્યે કરાવ્યો હતો. આ સ્થળ દરિયાઇ સપાટીથી 11,755 ફૂટ જેટલી ઊંચાઇએ આવેલું હોવાથી અહીં છ માસ જેટલો સમય બરફથી છવાયેલો રહે છે. ઉત્તરાખંડના ચાર ધામ અને તેનું મહત્વ છે, જેમાં ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામનો સમાવેશ થાય છે. આ વખતે કેદારનાથના કપાટ 10 મેના રોજ ખુલશે. આ દિવસથી જ સિરસી, ફાટા અને ગુપ્તકાશીથી હેલી સેવા શરૂ થશે.
આ વખતે ચારધામ યાત્રા દરમિયાન કેદારનાથ હેલી સર્વિસના ભાડામાં 5 ટકાનો વધારો થશે. ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટીએ કેદારનાથ હેલી સેવાના સંચાલન માટે ઉડ્ડયન કંપનીઓ સાથે ત્રણ વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેની શરતો અનુસાર આ વખતે કંપનીઓ ભાડામાં પાંચ ટકાનો વધારો કરશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષની કેદારનાથ યાત્રામાં 1.50 લાખ શ્રદ્ધાળુઓએ હેલિકોપ્ટર દ્વારા કેદારનાથની યાત્રા કરી હતી. કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે ટિકિટનું બુકિંગ ગયા વખતની જેમ IRCTC દ્વારા કરવામાં આવશે. કોઈપણ ભક્ત જે હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ જવા માંગે છે તેણે IRCTC દ્વારા તેમની ટિકિટ અગાઉથી બુક કરાવવી જોઈએ. ઉલ્લેખનીય છે કે છેલ્લા સમયથી કેદારનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.
આ સાથે હેલી સેવા માટે પણ રજીસ્ટ્રેશન જરૂરી છે. જો તમે રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો તમે હેલી સેવા માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશો નહીં. ઉપરાંત, વ્યક્તિ તેના આઈડી દ્વારા વધુમાં વધુ છ સીટ બુક કરી શકશે. અક્ષય તૃતીયાના અવસરે સૌથી પહેલા ગંગોત્રી ધામના દરવાજા ખુલશે.આ પછી યમુનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ અને હેમકુંડ સાહિબના કપાટ ખોલવામાં આવશે. તે જ સમયે, બદરી-કેદાર મંદિર સમિતિ પણ યાત્રાની તૈયારીઓમાં વ્યસ્ત છે. કેદારનાથ પદયાત્રાના માર્ગ પરથી બરફ હટાવવાનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. આ મંદિર ઉત્તરાખંડના ગઢવાલમાં સ્થિત કેદાર નામના શિખર પર બનેલું છે. દેશના 12 જ્યોતિર્લિંગોમાં કેદારનાથ મંદિરને શિવનું વિશેષ ધામ માનવામાં આવે છે. આ સમગ્ર વિસ્તાર કેદારનાથ ધામ તરીકે ઓળખાય છે. આ મંદિરની પોતાની ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ છે. આ મંદિર નર અને નારાયણ પર્વતોની વચ્ચે આવેલું છે.
ચાર ધામના મંદિરોની ચેક પોઇન્ટ
- યમુનોત્રી – બારકોટ
- ગંગોત્રી – હિના
- કેદારનાથ – સોનપ્રયાગ
- બદ્રીનાથ – પાંડુકેશ્વર
ઉત્તરાખંડના ચાર ધામ મંદિરો આ દેવોને સમર્પિત
- યમુનોત્રી – દેવી યમુના
- ગંગોત્રી – દેવી ગંગા
- કેદારનાથ – ભગવાન શિવ
- બદ્રીનાથ – ભગવાન વિષ્ણુ
આજથી ચારધામ યાત્રા પર આવતા ભક્તો વાહનો માટે બનાવેલ ગ્રીન કાર્ડ ઓનલાઇન મેળવી શકશે
ચારધામ યાત્રા પર આવતા ભક્તો 4 એપ્રિલથી તેમના વાહનો માટે બનાવેલ ગ્રીન અને ટ્રીક કાર્ડ ઓનલાઈન મેળવી શકશે. ચારધામ યાત્રા પર આવનાર શ્રદ્ધાળુઓ માટે એક મોટું અપડેટ સામે આવ્યું છે. કેદારનાથ, ગંગોત્રી અને બદ્રીનાથ સહિતના ચાર ધામોના દર્શન કરવા જનારા યાત્રિકોએ આ કામ કરવું ફરજિયાત છે અન્યથા તેમની યાત્રા પૂર્ણ થશે નહીં. દિલ્હી-એનસીઆર, યુપી, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી ટેક્સીમાં ચારધામ આવતા શ્રદ્ધાળુઓ માટે તેમના વાહનો માટે ગ્રીન કાર્ડ મેળવવું ફરજિયાત છે. જો તેઓ આમ નહીં કરે તો તેમને ચારધામ યાત્રાપર જવા દેવામાં આવશે નહીં .