કોરોના કાળમાં જામનગરમાં તંત્રની બેદરકારી
જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ફરી ગંભીર બેદરકારીની બાબતમાં વિવાદમાં આવ્યું છે. મહાનગરપાલિકાના ગેઇટ પાસે દૈનિક આરોગ્ય વિભાગ દ્વારા રેપીડ ટેસ્ટ કરાયા બાદ મેડીકલ વેસ્ટનો જથ્થો જાહેરમાં મુકીને કોરાનાના સમયે ગંભીર બેદરકારી બહાર આવી છે. મહાનગરપાલિકાના પ્રવેશ ગેઇટની પાછળ ખુણામાં મેડીકલ વેસ્ટનો જથ્થો જોઇને લોકોમાં ભારે ચર્ચા જાગી હતી.
મહાનગરપાલિકામાં જે લોકો પ્રવેશ કરવા માંગતા હોય તેઓના રેપીડ ટેસ્ટ આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવે છે. આ ટેસ્ટ દરમ્યાન દૈનિક 8 થી 10 લોકોના કોરોના પોઝીટીવ રિર્પોટ પણ આવતા હોય છે. આવા રેપીડ ટેસ્ટ કરાયેલો મેડીકલ વેસ્ટનો જથ્થાના નિકાલની જવાબદારી આરોગ્ય વિભાગના કર્મચારીની હોય છે. પરંતુ આરોગ્ય તંત્રના અધિકારીઓ દ્વારા આવી મેડીકલ વેસ્ટ માટેના નિકાલની કાળજી લેવામાં પણ આવતી નથી. તેનો પુરાવો મળી આવ્યો હતો.
કોરોનાના રેપીડ ટેસ્ટ અંગેની કીટનો જથ્થાના મેડીકલ વેસ્ટનો નિકાલ ન કરી અને સિકયુરીટી ઓફિસની બાજુમાં ખુણામાં જોવા મળ્યો હતો. જેને લીધે સિકયુરીટી કર્મચારીઓમાં પણ દોડધામ મચી ગઇ હતી. આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારના મેડીકલ વેસ્ટના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર તો નિર્ભર બની ગયું છે અનેકવાર કોઇને કોઇ મુદાને લઇને વિવાદમાં રહેતુ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ફરી એક વાર ગંભીર પ્રકારના કેસમાં વિવાદમાં મુકાયું છે. કોરોનાના સમયે આ પ્રકારના કોરોનાના ટેસ્ટની કીટ મેડીકલ વેસ્ટ શા માટે આ રીતે ખુણામાં મુકયો તેની તપાસ જરૂરી છે. કારણ કે મેડીકલ વેસ્ટના જીવાણુ દ્વારા અનેક બીજા લોકો પણ રોગના શિકાર બને છે ત્યારે અન્ય મેડીકલ ક્ષેત્રના કોઇ હોસ્પિટલ કે દવાખાનું જો આ પ્રકારની બેદરકારી દાખવે તો તેની સામે પગલા લેનાર અને દંડ ફટકારનારા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ હવે શું કાર્યવાહી કરે છે તે અંગે ચર્ચા જાગી છે.