સુરેન્દ્રનગર અને દિલ્હીના શખ્સ સામે નોંધાતો ગૂનો: રૂ.87,500નો મુદામાલ જપ્ત

 

અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના એક મેડીકલ સ્ટોરમાં કુરીયર દ્વારા આવેલા પાર્સલમાંથી અલોવીરા જેલના બદલે અંગ્રેજી દારૂની બોટલો નીકળતા પોલીસે રૂા.87,500ના દારૂ સાથે પાર્સલ મોકલનાર દિલ્હીની એજન્સી અને દારૂ-મંગાવનાર સુરેન્દ્રનગરના અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણવા મળતી વિગત એવા પ્રકારની છે કે, સુરેનદ્રનગરના અલંકાર ટોકીઝ રોડ ઉપર આવેલી એક મેડીકલ સ્ટોરવાળા હર્ષદભાઈ ગોપાલભાઈ પટેલે એલોવેરા જેલના પાંચ પાર્સલ મંગાવેલા હતા. આ પાંચેય પાર્સલ ટી.સી.આઈ એક્ષપ્રેસ કુરીયર સર્વિસ દ્વારા તેમનેે ડીલીવર થયેલા હતા. હર્ષદભાઈએ એક પાર્સલ ખોલતા તેમાં અંગ્રેજી દારૂની બોટલો નજરે પડતા સુરેનદ્રનગર સીટી બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી. આથી પોલીસ ટીમે મેડીકલ સ્ટોર પર જઈને તપાસ કરતા પાંચેય પાર્સલ માંથી અલોવીરા જેલના બદલે અંગ્રેજી દારૂની રૂા.87,500ની કિંમતની 50 બોટલો મળી આવેલ હતી. પોલીસે કુરીયરની રસીદ તપાસતા તેમાં આ માલ મોકલનારનું સરનામું દિલ્હી લખ્યું હતું. જ્યારે માલ લેનાર તરીકે મેડીકલ સ્ટોરનું નામ હતું, જોકે પાર્સલ ઉપર મોબાઇલ નંબર કોઇ અન્ય શખ્સનો લખેલો હતો. આથી પોલીસે તમામ મુદામાલ કબજે કરીને પાર્સલ મોકલનાર અને પાર્સલ મંગાવનારા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરેલ હતી. કુરીયરમા અંગ્રેજી દારૂ મંગાવવાની મોડસ ઓપરેન્ડી પ્રથમવાર સામે આવી હોવાથી પોલીસતંત્ર આ બનાવમાં ઉંડી તપાસ કરી રહ્યુ હોવાનુ જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.