એસ.એમ.સી. એ દરોડો પાડી 8396 બોટલ દારૂ, ટ્રક અને રોકડ મળી રૂ. 48.39 લાખનો મુદામાલ કબ્જે કર્યો
રાજયમાં દારૂબંધીનો કડક અમલ કરવા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં જુનાગઢના બુટલેગરે મંગાવેલો લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ચુડા તાલુકાના ચોકડી ગામેથી રૂ. 34 લાખની કિંમતના 8396 બોટલ વિદેશી દારુ સાથે ટ્રકના ચાલકની ધરપકડ કરી રૂ. 48.39 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. વધુ વિગત મુજબ સૌરાષ્ટ્રમાં મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય હોવાની એસ.એમ.સી. ના વડા નિરજા ગોટુર, નિલિપ્ત રાયે આપેલી સુચનાને પગલે ડીવાયએસપી કે.ટી. કામરીયા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.
ત્યારે લીંબડી નજીક ચોકડી ગામે પાસેથી પ્રસાર થતાં ટ્રકને અટકાવી તલાસી લેતા તેમાંથી રૂ. 34.12 લાખની કિંમતનો 8396 બોટલ વિદેશી દારુ સાથે ટ્રકના ચાલક બાડમેરના ફગલુરામ ઉમરામ પુનીયાની ધરપકડ કરી દારૂ, ટ્રક અને રોકડા મળી રૂ. 48.39 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
ઝડપાયેલા શખ્સની પ્રાથમિક પુછપરછમાં આ દારૂનો જથ્થો હરિયાણાના આલીદખાને મોકલેલો અને જુનાગઢના શખ્સે મંગાવ્યાની કબુલાત આપતા બન્નેની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ પહોંચે તે પહેલા પોલીસે 490 પેટી દારૂ ઝડપાયો
ટ્રકમાં ચોરખાનુ બનાવી છુપાયેલો રૂ. 27.60 લાખનો શરાબ સાથે ચાલકની ધરપકડ
બગોદરા રોડ ઉપર તારાપુર ત્રણ રસ્તા પરથી રૂા. 27.60 લાખનો દારૂનો જથ્થો ભરેલી ટ્રક પકડાઈ હતી. ટ્રકમાં ચોરખાનું બનાવી સેન્ટિંગના બ્લોક નાખી તેની આડમાં દારૂ લઈ જવાતો હતો. રાજસ્થાનથી રાજકોટ દારૂ લઈ જવાનો હતો. બગોદરા પોલિસ સ્ટેશનના પીએસઆઈ જી.કે. ચાવડાને બાતમી મળી હતી કે ટ્રકમાં ચોરખાનું બનાવી ઉપર સેન્ટીંગમાં વપરાતા બ્લોક નાખી તેની આડમાં રાજસ્થાનથી ગુજરાતમાં વાયા બગોદરા થઈ રાજકોટ દારૂ લઈ જવાઈ રહ્યો છે.
તારાપુર ત્રણ રસ્તા પર બાતમીવાળી ટ્રક દેખાતા તેને અટકાવી ડ્રાઇવરને શિવરતન ઓમપ્રકાશ અગ્રવાલની ધરપકડ કરી હતી. ટ્રકમાં તપાસ કરતા સેન્ટિંગમાં વપરાતા બ્લોક નીચે ચોરખાનામાં રૂા. 27.60 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની 460 પેટી મળી આવી હતી. પોલીસે ટ્રક, મોબાઈલ સહિત કુલ રૂા. 37.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બગોદરા પોલીસે ટ્રક અને ટ્રકચાલકને કબજે લઇ માલ મોકલનાર તથા માલ મંગાવનારને ઝડપી પાડવા આગળની તપાસ શરૂ કરી છે.