અબતક, રાજકોટ
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામમાંથી માવો લઇ કુતિયાણા તાલુકાના બાલોચ ગામનો શખ્સ રાજકોટમાં વેચાણ કરવા માટે આવેલા શંકાસ્પદ માવાનો 140 કિલોનો જથ્થો આજે સવારે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. મીઠો માવો અને થાબડીના નમૂના લઇ પરિક્ષણ અર્થે મોકવામાં આવ્યા છે. આ માવો દૂધમાંથી બનાવવાના બદલે વેજીટેલબ ઓઇલ અને ફોરેન ફેઇટમાંથી બનાવવામાં આવ્યો હોવાની પ્રબળ સંભાવના જણાઇ રહી છે. 140 કિલો માવાનો નાશ કરવામાં આવ્યો છે.
શંકાસ્પદ માવામાંથી બનાવવામાં આવેલી થાબડી સહિત બે નમૂના લેવાયા: માવો દૂધને બદલે વેજીટેબલ ઓઇલ અને ફોરેન ફેઇટમાંથી બનાવવામાં આવ્યો હોવાની શંકા
કોર્પોરેશનની આરોગ્ય શાખાના અધિકારીઓને એવી ચોક્કસ બાતમી મળી હતી કે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના બાલોચ ગામનો હરદાસભાઇ ભીખાભાઇ રાવલીયા નામનો શખ્સ ઇક્કો વાહનમાં શંકાસ્પદ માવાનો જથ્થો લઇ રાજકોટમાં વેંચાણ કરવા માટે આવી રહ્યો છે. આ શખ્સને રંગેહાથે પકડવા માટે સવારથી જ કોર્પોરેશનની આરોગ્ય શાખાના અધિકારીઓ ઢેબર રોડ પર વોંચમાં ગોઠવાઇ ગયા હતા અને જેવું ઇક્કો વાહન શહેરમાં પ્રવેશ્યુ કે તરત જ તેને રોકી ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 140 કિલો શંકાસ્પદ મીઠા માવાનો જથ્થો મળી આવ્યો હતો. ડ્રાઇવરે એવી કબૂલાત કરી હતી કે આ માવાના જથ્થો જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામના રહેવાસી હિરેનભાઇ મોઢાનો છે અને તે માત્ર રાજકોટમાં ડિલેવરી આપવા માટે આવ્યો હતો. આજે મીઠો માવો અને થાબડી મિઠાઇનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ માણાવદર પંથકમાંથી રાજકોટમાં ઘૂસાડવામાં આવતા આ ભેળસેળીયું યુક્ત માવાની ડિલેવરી કોને-કોને આપવામાં આવતી તેની પણ વિસ્તૃત તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
દરમિયાન વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે આરોગ્ય શાખા દ્વારા શહેરના સોરઠીયા વાડી સર્કલથી કોઠારિયા હાઇવે સુધીના વિસ્તારમાં અલગ-અલગ 43 ખાણીપીણીની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચાર વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે.