મોરબી ઝૂલતા પુલની હૃદય કંપવનારી ઘટનામાં આશરે 131 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેના ઘેરા પડઘા આખા દેશમાં પડ્યા છે ત્યારે સમગ્ર મામલે મોરબી નગરપાલિકાને શા માટે સુપરસિડ ન કરવી તેનો જવાબ રજૂ કરવા શહેરી વિકાસ વિભાગે મોરબી પાલિકાને શો કોઝ નોટીસ ફટકારી હતી પરંતુ હજુ સુધી આ મામલે મોરબી પાલિકાએ જવાબ રજૂ ન કરતા હવે 16મી ફેબ્રુઆરી એટલે કે આવતીકાલ સુધીમાં આ મામલે જો જવાબ રજૂ કરવામાં ન આવે તો 18મીએ રાજ્ય સરકાર એકતરફી નિર્ણય લઈ લેશે તેવી ચેતવણી બાદ આજે મોરબી પાલિકાએ તાત્કાલિક સ્પેશ્યલ બોર્ડ બોલાવી હતી. સ્પેશ્યલ બોર્ડમાં પાલિકા દ્વારા તાત્કાલિક આશરે 32 પાનાનો ઠરાવ કરીને શહેરી વિકાસ વિભાગને મોકલવા તજવીજ હાથ ધરી દેવામાં આવી છે.
રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાને ચેતવણી આપી હતી કે, જો નગરપાલિકા 16 ફેબ્રુઆરી સુધીમાં તેને આપવામાં આવેલી શો કોઝ નોટિસનો જવાબ નહીં આપે તો સુપરસિડ અંગે એકતરફી નિર્ણય લઈ લેશે.
શહેરી વિકાસ વિભાગ (યુડીદેવ)એ 13 ફેબ્રુઆરીના રોજ પાલિકાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, જો આપેલ સમયમર્યાદામાં કોઈ લેખિત જવાબ સબમિટ કરવામાં નહીં આવે, તો એવું માનવામાં આવશે કે તમે આ અંગે કોઈ રજૂઆત કરવા માટે તૈયાર નથી અને સરકાર નિયમો અનુસાર એક પક્ષીય નિર્ણય લેશે.સરકારે નગરપાલિકાને કારણદર્શક નોટિસ જારી કરીને પૂછ્યું હતું કે, તેની મૂળભૂત વહીવટી ફરજો નિભાવવામાં નિષ્ફળ રહેવા બદલ પાલિકાને શા માટે વિસર્જન ન કરવું જોઈએ? જેના કારણે ગયા વર્ષે 30 ઓક્ટોબરે 135 લોકોના કરુણ મોત નિપજ્યા હતા.
પત્રમાં યુડીડીએ જણાવ્યું છે કે, જો 16 ફેબ્રુઆરી સુધીમાં જનરલ બોર્ડ મીટિંગના ઠરાવના સ્વરૂપમાં લેખિત જવાબ સબમિટ કરવામાં આવે તો તે નગરપાલિકાને તેનો પક્ષ સાંભળવાની તક આપવાનું વિચારશે.સરકાર દ્વારા 18 જાન્યુઆરીના રોજ પ્રથમ કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી હતી. તેના જવાબમાં, પાલિકાએ યોગ્ય જવાબો આપવા માટે પુલ તૂટી પડવાથી સંબંધિત દસ્તાવેજ માંગ્યા હતા કારણ કે, તમામ કાગળો સરકાર દ્વારા નિયુક્ત વિશેષ તપાસ ટીમની કસ્ટડીમાં હતા. સરકારે તમામ સંબંધિત દસ્તાવેજો તેમજ એસઆઈટીનો રિપોર્ટ મોકલ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે નગરપાલિકા તેની ફરજ બજાવવામાં નિષ્ફળ રહી છે.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને પણ પૂછ્યું હતું કે, તે ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ 263 લાગુ કરીને નગરપાલિકાને શા માટે સુપરસીડ કરતી નથી જે રાજ્યને નાગરિક સંસ્થા તેની ફરજો નિભાવવામાં નિષ્ફળ નીવડે તો વિસર્જન કરવા સક્ષમ બનાવે છે.
7 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાના સભ્ય જયંતિ ઘાટલોડિયાએ એક વ્યક્તિગત જવાબ દાખલ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે બ્રિજ તૂટી પડવામાં જનરલ બોર્ડની કોઈ ભૂમિકા નથી. જો કે, યુડીડીએ તેને ધ્યાનમાં લીધું ન હતું અને પાલિકાને જનરલ બોર્ડના ઠરાવ સ્વરૂપે જવાબ દાખલ કરવા જણાવ્યું હતું.
સુપરસિડ અંગે તાત્કાલિક જવાબ રજૂ કરવા નગરપાલિકાએ આજે સ્પેશિયલ જનરલ બોડીની બેઠક બોલાવી હતી. જાન્યુઆરીમાં જારી કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે, તમામ ઉપલબ્ધ તથ્યો અને રેકોર્ડ્સ પરથી એવું લાગે છે કે સસ્પેન્શન બ્રિજ માટેનો અગાઉનો ઓપરેશન કોન્ટ્રાક્ટ માર્ચ 2017 માં સમાપ્ત થયો હતો.તે પછી ઓરેવા ગ્રૂપે 13 જાન્યુઆરી, 2018 અને 9 જાન્યુઆરી, 2020 ની વચ્ચે મ્યુનિસિપાલિટીને અનેક પત્રો દ્વારા સ્પષ્ટ કર્યું હતું કે બ્રિજની હાલત અત્યંત જર્જરિત છે અને તેને તાત્કાલિક બંધ કરીને સમારકામ હાથ ધરવું જોઈએ. જો ખુલ્લું રાખવામાં આવે તો ગંભીર અકસ્માત અને જાનહાનિ થઈ શકે છે. જો કે, તે સ્પષ્ટ છે કે નગરપાલિકાએ આ ચેતવણીઓને ગંભીરતાથી લીધી નથી.
આ કેસમાં ઓરેવા ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ સહિત કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે હત્યા નહીં પણ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે.
મોરબી પાલિકા સુપરસિડ થશે કે બચી જશે?: હવે શહેરી વિકાસ વિભાગના નિર્ણય પર જ દારોમદાર
હાલ મોરબી પાલિકાને અપાયેલી મુદ્દત 16 ફેબ્રુઆરી પૂર્વે જ ઠરાવ સ્વરૂપે જવાબ તૈયાર કરી લેવામાં આવ્યો છે. હવે આ જવાબ શહેરી વિકાસ વિભાગને મોકલવામાં આવનાર છે. ત્યારે અગાઉ જ્યારે રાજ્ય સરકારે ચેતવણી આપી હતી તે મુજબ 18મીએ શહેરી વિકાસ વિભાગ પાલિકાને સુપરસિડ કરવા અંગે નિર્ણય લેનારી હતી. પરંતુ હવે પાલિકાએ જવાબ રજૂ કરી દેતા પાલિકા સુપરસિડ થશે કે બચી જશે તેનો અંતિમ નિર્ણય શહેરી વિકાસ વિભાગ લેનારી છે.
પુલ તૂટી પડવાની ઘટનામાં મોરબી પાલિકા કસૂરવાર નથી: જયરાજસિંહ જાડેજા
ઝૂલતા પુલ દુર્ઘટનામાં શહેરી વિકાસ વિભાગે 16મી સુધી માં ઠરાવ સ્વરૂપે જવાબ રજૂ કરવા મોરબી પાલિકાને આદેશ કર્યા બાદ પાલિકાએ સ્પેશ્યલ બોર્ડ બોલાવી હતી. આ બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે આ અંગે મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા સમગ્ર મામલે ઠરાવ સ્વરૂપે જવાબ તૈયાર કરી લેવામાં આવ્યો છે.જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં પાલિકા કસૂરવાર નથી. તેમણે કહ્યું હતું કે, જ્યારે ઝૂલતા પુલના સમારકામ માટે લિથો તૈયાર કરવામાં આવ્યો હતો ત્યારે અમે સત્તામાં ન હતા જેથી પાલિકાને કસૂરવાર ગણી સુપરસિડ કરી શકાય નહીં. ઝૂલતા પુલ દુર્ઘટનામાં મોરબી પાલિકા દ્વારા આશરે 32 પાનાનો ઠરાવ તૈયાર કરી ગાંધીનગર મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી છે.