પશુઓમાં સઘન સર્વેલન્સ, ત્વરિત સારવાર તથા ઝડપી રસીકરણ હાથ ધરવા મંત્રીનું સૂચન
તાજેતરમાં સૌરાષ્ટ્રમાં પશુઓમાં લમ્પી સ્કિન ડીસીઝના કેસો જોવા મળી રહ્યા છે જેને ધ્યાને લઈ આ રોગ પર ત્વરીત નિયંત્રણની કામગીરી હાથ ધરવા રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં કલેટર કચેરી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના પશુપાલન નિયામક ડો.ફાલ્ગુનિબેન ઠાકર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ મંત્રી સમક્ષ લમ્પી વાયરસના નિયંત્રણ અંગે થઇ રહેલ કામગીરી અંગેની વિગતો પૂરી પાડી હતી.
લમ્પી વાયરસ પર નિયંત્રણ લાવવા જિલ્લાની તમામ કરુણા એમ્બ્યુલન્સ તથા ફરતા પશુ દવાખાનાઓ અગ્રિમતાના ધોરણે કામગીરી હાથ ધરશે
બેઠકમાં મંત્રીએ લમ્પી રોગ પર તાત્કાલિક નિયંત્રણ આવે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી તેમજ કેન્દ્ર સરકારની એડવાઈઝરી અનુસાર અસરગ્રસ્ત પશુઓની આસપાસના નિરોગી પશુઓમાં રસીકરણ કરવા, જિલ્લાની તમામ કરુણા એમ્બ્યુલન્સ તેમજ દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાઓને અગ્રિમતાના ધોરણે આ કામગીરીમાં જોડવા, રોગચાળાનો વિસ્તાર વ્યાપ તથા રજૂઆતો ધ્યાને લઈ તાકીદના પગલાં લેવા, પશુઓનું સઘન સર્વેલન્સ, ત્વરિત સારવાર તથા ઝડપી રસીકરણની કામગીરી હાથ ધરવા પણ મંત્રીએ સૂચન કર્યું હતું