- ગુરૂવારે મુદ્દત પૂર્ણ થઇ ગઈ હોવાથી અમુક સ્કૂલોને અરજી બાકી હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા મુદતમાં વધારો કરાયો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને ધોરણ 11ની નવી ખાનગી શાળા શરૂ કરવાની અરજીઓ માટેની મુદત ગુરુવાર સુધી રખાઈ હતી. જોકે હવે આ મુદત શિક્ષણ બોર્ડે આ મુદત 31માર્ચ સુધી લંબાવી છે.
આ ઉપરાંત વર્ગ વધારા અને ક્રમિક વર્ગ અંગેની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે ધોરણ 9-11 ની શાળા શરૂ કરવાની અંતિમ તારીખ 31મી માર્ચ સુધી લંબાવામાં આવી છે. નવા શેક્ષણિક વર્ષ 2024-25થી કાયમી ધોરણે ગ્રાન્ટ નહીં લેવાની શરતવાળી ખાનગી માધ્યમિક એટલે કે ધો.9 અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધો.11 ની શાળા શરૂ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવાનું બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.
આ માટે શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર અરજી શરૂ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જો કે ગુરૂવારે આ મુદ્દત પૂર્ણ થઇ ગઈ હતી.અમુક સ્કૂલોને અરજી બાકી હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.
શિક્ષણમાં પણ ‘લાંચ’: નવી શાળા ખોલવા ડીઈઓને ધરવા પડે છે ‘નૈવેદ્ય’
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શાળાને કામચલાઉ મંજૂરી આપ્યા બાદ કાયમી નોંધણી માટે જે તે જિલ્લાની ડીઈઓ કચેરી મારફતે શિક્ષણ બોર્ડને દરખાસ્ત મોકલવામાં આવતી હોય છે. આ દરખાસ્તના આધારે બોર્ડ દ્વારા કાયમી નોંધણીના ઓર્ડર કરવામાં આવે છે. જોકે, શિક્ષણ બોર્ડના સભ્ય દ્વારા જ કાયમી નોંધણી માટે રાજ્યની અમુક ડીઈઓ કચેરી ખાતે દરખાસ્તો દબાવી રાખી નાણાકીય માગણી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે. બોર્ડના સભ્યએ આ મુદ્દે રાજ્યના તમામ ખાનગી શાળા સંચાલકોને પત્ર લખી નાણાંની માગણી કરવામાં આવે તો માહિતી આપવા માટે તાકીદ કરી છે.
જૂન-2023થી રાજ્યમાં 133 શાળાઓને કામચલાઉ મંજૂરી અપાઈ હતી, જેમાંથી બોર્ડ દ્વારા માત્ર 15ને જ કાયમી નોંધણી કરવામાં આવી છે. જ્યારે 88 દરખાસ્તો જિલ્લા કક્ષાએ પડતર હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શરૂ કરવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવતી હોય છે. અરજી મળ્યા બાદ બોર્ડની કારોબારી સમિતિની બેઠકમાં તે દરખાસ્ત મૂકાય છે અને ત્યારબાદ સ્કૂલોને કામચલાઉ મંજૂરી આપવામાં આવતી હોય છે.
કામચલાઉ મંજૂરી મળ્યાના 6 માસ પછી સ્કૂલની સ્થળ ચકાસણી સહિતની કામગીરી કરી જિલ્લા કક્ષાએથી કાયમી નોંધણી માટે શિક્ષણ બોર્ડને દરખાસ્ત કરવામાં આવતી હોય છે. જોકે, આ દરખાસ્ત કરવાના બદલે અમુક જિલ્લામાં દરખાસ્તો દબાવી રાખી સંચાલકો પાસેથી મોટી રકમની માગણી કરવામાં આવતી હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે. આ ફરિયાદને લઈને શિક્ષણ બોર્ડના સભ્ય જ મેદાનમાં ઉતર્યા છે.